તમે ક્યારેય એવી બેંક જોઈ છે, જેમાં રોજ બાળકો ૨ રૂપિયા ત્રણ રૂપિયા જમાં કરાવી સેવિંગ કરતા હોય ? જી હા, એક શિક્ષકે શાળામાં આવી જ એક બેંક બનાવી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં વાપરવા લાવેલા પૈસામાંથી થોડા થોડા પૈસા આ બેંકમાં જમા કરાવી શકે છે અને બચત કરી પૈસા ભેગા કરી શકે છે

આ બેંકનું નામ હડાદ બચત બેંક છે બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ હડાદ ગામમાં શાળાના ઇનોવેટિવ શિક્ષકે બધાથી અલગ વિચારી અનોખી પહેલ કરી છે. શિક્ષક કેવલ ભાઇએ શાળામાં જ વિદ્યાર્થીઓ માટે બેંક બનાવી છે. શાળામાં બાળકો બહારના જંક ફૂડ અને ફૂડ પેકેટ ખાવામાં રૂપિયા ન બગાડે અને પૈસાનું બીજા કોઈ સારા કામમાં ઉપયોગ કરે તેવા હેતુથી આ બચત બેંક બનાવવામાં આવી છે. શિક્ષક કેવલ ભાઈ દ્વારા ધ્યાને આવ્યું કે વધારાના પૈસા બાળકો જંક ફૂડમાં વાપરતા હતા, આ જોઈ શિક્ષકને વિચાર આવ્યો કે આ બાળકો પણ બચત કરી શકે છે. અને તેમની જરૂરિયાતની વસ્તુઓ આ બચત કરેલા પૈસામાંથી ખરીદી કરી શકે છે.

જેમ આપણે બેંકમાં જઈએ તો પાસબુક, જમા પાવતી અને ઉપાડ ચિઠ્ઠી હોય તેવી જ રીતે બધું જ પ્રિન્ટ કરાવી શિક્ષક આ બચત બેંક ચલાવે છે. આ કામગીરીથી શિક્ષકને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.