રાજ્યમાં પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. દરરોજ હાર્ટ એટેકના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે. કોઈ વખત યુવાનના હાર્ટ એટેકના મોતના સમાચાર વિશે લખીએ છીએ તો કોઈ વખત વિદ્યાર્થીમાં હાર્ટ એટેક આવ્યો અને મોત થયું તે વિશે લખીએ છીએ. ત્યારે ભાવનગરથી પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. ભાવનગરમાં બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવી માહિતી સામે આવી છે. એક કિસ્સામાં 20 વર્ષીય યુવાનનું મોત થયું છે જ્યારે બીજી ઘટનામાં 29 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું છે તેવી માહિતી સામે આવી છે.
29 વર્ષીય વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત
ભાવનગરમાં 29 વર્ષીય કશ્યપ શુક્લનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું. જે યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેમના લગ્ન થોડા દિવસો બાદ થવાના હતા. મીંઢોળ પણ બંધાઈ ગઈ હતી. જ્યાં લગ્ન ગીતો ગવાવાના હતા ત્યાં હવે મરસિયા ગવાઈ રહ્યા છે. યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. બીજા કિસ્સામાં 20 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જીગર ચૌધરી નામના વ્યક્તિનું મોત થયું છે. વિદ્યાર્થીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો અને મોતને ભેટ્યો. યુવકના અચાનક મોતથી કોલેજમાં તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.
ફરસાણના વેપારીને આવ્યો હાર્ટ એટેક
તે ઉપરાંત ગઈકાલે પણ જામનગરથી પણ હાર્ટ એટેક આવવાનો કિસ્સો બન્યો હતો. જૈન વિજય ફરસાણના વેપારી 24 વર્ષીય સુમિત પઢીયાર પોતાની પેઢી પર હાજર હતા. તે સમયે અચાનક જ તે ઢળી પડ્યા. હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ટૂંકી સારવાર દરમિયાન સુમિત પઢીયાર મોતને ભેટ્યા. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ પર સંકટ વધી રહ્યું છે.