મણિપુરથી આવેલા વીડિયોને કારણે ભડકેલી આગ હજી શાંત નથી થઈ ત્યારે આવી જ એક બીજી ઘટના પશ્ચિમ બંગાળથી સામે આવી છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલાઓને પહેલા ઢોર માર મારવામાં આવ્યો હતો અને પછી નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અર્ધનગ્ન તો મહિલાને કરી દીધી હતી. જે વીડિયો સામે આવ્યો છે તે 19 જુલાઈનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો તો મણિપુર કરતા પણ શર્મનજક છે કારણ કે આ વીડિયોમાં મહિલાઓ જ મહિલાને મારી રહી છે. જે મહિલાઓને બીજી મહિલાના રક્ષણ માટે અવાજ ઉપાડવો જોઈએ, જે મહિલાઓએ એક બીજાની તાકાત બનવી જોઈએ, તે જ મહિલાઓ આવી રીતે મહિલા સાથે વર્તન કરી રહી છે?
પોતાના પર વિતતી નથી ત્યાં સુધી આપણે નથી સમજી શક્તા...
મહિલાઓ પર થતાં અત્યાચાર પ્રતિદિન વધી રહ્યા છે. સ્ત્રીને શક્તિનું રૂપ માનવામાં આવે છે, આપણે આપણા દેશને માતા કહીને સંબોધીએ છીએ. કોઈ આપણી બહેન અથવા માતાનું અપમાન કરીને જતું રહે તે આપણાથી સહન નથી થયું પરંતુ જે મહિલાઓ ભોગ બની રહી છે તે પણ આપણી જ બહેન છે ને. આપણે પ્રતિજ્ઞામાં બોલતા હોઈએ છીએ કે દરેક દેશવાસીઓ મારા ભાઈ બહેન છે.. પરંતુ જ્યારે અમલી કરવાની વાત આવે ત્યારે આપણે મૌન રહી જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે આ ઘટનાથી આપણે શું લેવા દેવા પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણું મૌન સમાજને એ તરફ દોરી જાય છે આવનારી પેઢી માટે આ વાત સામાન્ય લાગશે. મનુષ્યની તકલીફ એ છે કે જ્યાં સુધી પોતાના ઉપર નથી વીતતી ત્યાં સુધી આપણે એ વાતને ગંભીરતાથી લેતા જ નથી. આપણે શું? આપણે શું ઉખાડી લેવાના ? તેવા અનેક તર્ક વિતર્ક આપણે પોતાની જાતને આપતા હોઈએ છીએ. પરંતુ જ્યારે તે જ વસ્તુ તમારી મા, બહેન કે દીકરી સાથે થશે ત્યારે?
પશ્ચિમ બંગાળથી સામે આવ્યો મહિલા પર થતાં અત્યાચારનો વીડિયો
આ ઘટનાનો વીડિયો બીજેપીના આઈટી સેલ હેડ અમિત માલવીયા દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. તેમના પ્રમાણે આ ઘટના માલદાના બામનગોલા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે આદિવાસી મહિલા છે. માલવીયાએ આરોપ લગાવ્યો છે કે પહેલા તેમને માર મારવામાં આવ્યો અને પછી તેમની સાથે આવું અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં બનેલી આ ઘટના પહેલી નથી પરંતુ આવી ઘટના એક મહિલા સાથે થઈ હોય તેવા આરોપ મહિલા દ્વારા લગાવવામાં આવ્યા છે. પંચાયત ચૂંટણી દરમિયાન એક મહિલાને નિર્વસ્ત્ર કરી પરેડ કરવામાં આવી હતી તેવી ફરિયાદ કરવામાં આવી છે.
સ્મૃતિ ઈરાનીએ પ્રશ્ન પૂછ્યો, પરંતુ મણિપુર અંગે મૌન કેમ?
મહિલાઓ પર થતાં અત્યાચારને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને લઈ તરત પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે કે કોંગ્રેસ શા માટે પશ્ચિમ બંગાળની સરકારને સવાલ નથી પૂછી રહી? કારણ કે તે બધા જોડે છે એટલે? ત્યારે સ્મૃતિ ઈરાનીને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે મણિપુર અંગે પ્રતિક્રિયા આપવામાં આટલી બધી વાર કેમ કરી? ત્યાં ભાજપની સરકાર છે એટલે? મણિપુરમાં થતી હિંસા મુદ્દે શા માટે કોઈ નથી બોલતું? મણિપુરમાં જે ઘટના બની છે તે અંગે એટલા માટે પ્રતિક્રિયા નથી આપવા આવી કારણ કે ત્યાં ભાજપની સરકાર છે એટલે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મણિપુર અંગે જ્યારે નિવેદન આપ્યું હતું તેમાં પણ મણિપુર અંગે ઓછું પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ અંગે વાત કરી હતી. ત્યારે આ મામલે રાજનીતિ કરવાની જરૂર છે કે મહિલાઓ પોતાને સુરક્ષિત સમજે તેવી વ્યવસ્થા કરવાની જરૂરત છે?