તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યારે તો અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં નબીરાઓ બેફામ રીતે પોતાનું વાહન ચલાવે છે અને લોકોને પોતાની અડફેટે લઈ રહ્યા છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણે અમદાવાદ જેવી ઘટના સુરતથી સામે આવી છે. મોડી રાત્રે કાપોદ્રા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બીઆરટીએસ રૂટમાં સ્વિફ્ટ કાર ચાલક આવી ચઢે છે અને રસ્તામાં 3 બાઈક સવારને તેમજ બે રાહદારીઓને પોતાની અડફેટે લઈ લે છે.
સ્ટંટ કરનાર લોકો વિરૂદ્ધ પણ કરાઈ રહી છે કાર્યવાહી
અકસ્માતો આની પહેલાં પણ સર્જાતા હશે પરંતુ જ્યારથી તથ્ય પટેલનો કેસ સામે આવ્યો છે ત્યારથી આવા અકસ્માતો પર ધ્યાન વધારે આકર્ષાઈ રહ્યું છે ચર્ચાઓ થઈ રહી છે સમાચારો બની રહ્યા છે. તથ્ય પટેલ બાદ અનેક જગ્યાઓથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં વાહનની અડફેટે લોકો આવી રહ્યા છે અને ઈજાગસ્ત થઈ રહ્યા છે. ન માત્ર ઓવરસ્પીડિંગ કે કાયદો ભંગ કરનાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્ટંટબાજો વિરૂદ્ધ પણ લોકોનો રોષ દેખાઈ રહ્યો છે.
સુરતના કાપોદ્રામાં બની ઈસ્કોન બ્રીજ જેવી ઘટના
સ્ટંટબાજો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતના કાપોદ્રામાં સર્જ્યો છે જેમાં સ્વિફટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલકોને તેમજ બે રાહદારીઓને પોતાની અડફેટે લઈ લીધા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા અને ગાડી ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. જે વ્યક્તિએ આ અકસ્માત સર્જ્યો છે તેનું નામ સાજન પટેલ છે. મળતી માહિતી અનુસાર સાજન પટેલે રિલ્સ બનાવવા માટે આવા જોખમી સ્ટંટ કર્યા હતા અને નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. આ અકસ્માતને કારણે તથ્ય પટેલનો કેસ લોકોના મનમાં તાજો થઈ ગયો છે.
પોલીસ દ્વારા જે કાર્યવાહી હમણાં કરાઈ રહી છે તે હંમેશા યથાવત રહે તેવી આશા!
મહત્વનું છે કે પોલીસ પણ એક્શન મોડમાં દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર સ્ટંટબાજોના વીડિયો વાયરલ થતાં તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવા અનેક ઉદાહરણો છે જેમાં પોલીસ દ્વારા સ્ટંટ કરનાર, પોતાનો તેમજ બીજાના જીવને જોખમમાં મૂકનાર લોકો વિરૂદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે કહેવાની ઈચ્છા થાય છે કે જો આવી કાર્યવાહી પહેલા કરવામાં આવી હોત તો કદાચ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોનો જીવ બચી શક્યો હોત. ખેર, દેર આયે દુરૂસ્ત આયે, હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી કામગીરી કાયદો ભંગ કરનાર દરેક લોકો અથવા તો અધિકારી વિરૂદ્ધ કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જે કડક રીતે કાયદાનું ભાન પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે તે સારૂં છે પરંતુ આવી કામગીરી આવનાર દિવસોમાં પણ યથાવત રહે તેવી આશા છે.