આપણે માત્ર વિકાસની વાતો કરીએ છીએ. આરોગ્યમાં અત્યાધુનિક સંસાધનો છે તેવી દર વખતે મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ વિકાસશીલ ગણાતા ગુજરાતમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દી એમ્બ્યુલન્સની અંદર છે પરંતુ અડધો કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો નથી ખુલતો. જે વસ્તુઓનો ઉપયોગ જીવ બચાવા માટે કરવામાં આવે છે તે અનેક વખત પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે તેનું ઉદાહરણ કચ્છથી સામે આવ્યું છે.
એમ્બ્યુલન્સનો દરવાજો ન ખુલ્યો
કચ્છમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 108 માં જ દર્દી ફસાય જાય છે. એ જ 108 છે જેનો ઉપયોગ લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અડધો કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો નથી ખુલતો. આદિપુરથી ભુજની જી.કે હોસ્પિટલમાં એક મહિલા પેશન્ટને લઈ જવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ એમ્બ્યુલન્સનો દરવાજો જ ન ખૂલ્યો અને પછી લોખંડના સળિયા વડે દરવાજો ખોલવામાં આવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
મદદ કરવાની વાતો બધા કરતા હોય છે પરંતુ કોઈ કરતું નથી!
વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે જ્યારે ઍમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી ત્યારે સ્ટાફ દ્વારા દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. દરવાજો ખોલવાનો પ્રયત્ન તો કરવામાં આવે છે પરંતુ હોસ્પિટલના સ્ટાફના એક વ્યક્તિ દ્વારા, વીડિયોમાં પાછળ દેખાય છે કે હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ ત્યાં ઊભા રહીને મદદ કરવાને બદલે ખાલી આ તમાશો જોઈ રહ્યો હતો. અનેક વખત આપણે લોકોને કહેતા સાંભળીએ છીએ કે એક બીજાને મદદ કરવી જોઈએ. પરંતુ જ્યારે મદદ કરવાની વાત આવે છે ત્યારે આપણે હાથ ખંખેરી નાખીએ છીએ.
તક્ષશિલા ઘટનાની યાદ અપાવે એવી હતી આ ઘટના!
આ જે ઘટના બની તે ઘટના થોડા વર્ષો બનેલી ઘટનાની યાદ અપાવે છે. તક્ષશિલા દુર્ઘટના બની ત્યારે પણ કંઈક આવુજ બન્યું હતું. ત્યાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડ તો હતી પણ તેની સીડીઓ ના ખૂલી. જો સમયસર એ સીડી ખૂલી ગઈ હોત તો કદાચ અનેક બાળકોના જીવ બચી શક્યા હોત...! પણ ના જ્યારે જરૂર પડે ત્યારે જ આ સાધનો કામ ના કરે ઍમ્બ્યુલન્સમાં જો કોઈ દર્દી ફસાયતો એનાથી દુ:ખદ કોઈ વાત ના હોઈ શકે.