ગુજરાતમાં પ્રતિદિન એવી અકસ્માતની ઘટના બને છે જેમાં લોકોના મોત થતા હોય છે. અકસ્માતો તો બને છે પરંતુ અનેક વખત તેમાં જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી આવતા. પરંતુ છેલ્લા થોડા સમયથી એવા અકસ્માતો બની રહ્યા છે જેમાં લોકો મોતને ભેટી રહ્યા છે. બેફામ રીતે ગાડી ચલાવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે એક્સિડન્ટ થાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માત થયો છે જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે જ્યારે બે જેટલા લોકો ઘાયલ છે.
સુરેન્દ્રનગરમાં બની અકસ્માતની ઘટના
રાજ્યમાં અનેક પરિવારો એવા હશે જેમણે અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં મૃતકની કોઈ ભૂલ નથી હોતી તો પણ તે અકસ્માતનો ભોગ બને છે. કોઈ બીજાના ભૂલની સજા તેને ભોગવવી પડે છે. અકસ્માતોની સંખ્યામાં અનેક ઘણો વધારો નોંધાયો છે. રાજ્યમાં વાહનચાલકો બેફામ બની વાહનચલાવતા હોય તેવું લાગે છે. અનેક દિવસોથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક ભયંકર અકસ્માત સુરેન્દ્રનગર હાઈવે પાસે સર્જાયો છે તેવી માહિતી સામે આવી છે.
ડિવાઈડર સાથે અથડાઈ જતા કાર પલટી અને બીજી બાજુ ફેંકાઈ
આ અકસ્માત ધ્રાંગધ્રા બાયપાસ પાસે સર્જાયો છે. અકસ્માતમાં કાર ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાર પલટી ડીવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઇસર સાથે અથડાઈ હતી. એ અકસ્માત એટલો ભયંકર હતો કે આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર છે. એવી પણ માહિતી સામે આવી કે ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા જ્યારે એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થયું છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તે હળવદના રહેવાસી હતા. તમામ મૃતકોની ઉંમર 20ની આસપાસ હતી.
અમદાવાદમાં બની હતી હિટ એન્ડ રનની ઘટના
મહત્વનું છે કે અનેક એવા વીડિયો સામે આવતા હોય છે દિલને હચમચાવી દે તેવા હોય છે. અનેક કિસ્સાઓમાં સદનસીબે લોકોના જીવ બચે છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં થોડા દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. તે બાદ તો આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. બેફામ રીતે વાહનચાલકો પર લગામ ક્યારે આવશે તે એક સવાલ છે.