ગુજરાતની ઓળખસમી અને દેશની શ્વેત ક્રાંતિ માટે જાણીતી અમુલ ડેરીના ચેરમેન ,વાઇસ ચેરમેનની આજે બે વર્ષ બાદ મતગણતરી યોજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમુલના ચેરમેન પદે રામસિંહ પરમારની બિન હરીફ નિયુક્તિ જ્યારે રાજેન્દ્રસિંહ પરમારને વાઇસ ચેરમેન પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ માટે લાંબી કાયદાકીય લડત લડવામાં આવી હતી.
શું હતો કાનુની વિવાદ?
આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 12 લાખ પશુપાલકો સાથે સંકળાયેલ વિશ્વ વિખ્યાત અમુલ ડેરીની વ્યવસ્થાયક કમિટીની ચૂંટણી વર્ષ 2020માં યોજાઈ હતી ,ચૂંટણી બાદ અમુલના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાતા ચેરમેન પદ માટે એક માત્ર રામસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે વાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી,ચૂંટણી પહેલા સરકાર દ્વારા અમુલમાં પોતાના ત્રણ પ્રતિનિધિની નિયુક્તિ કરતા અમુલ વ્યવસ્થાપક કમિટીમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ યોજાયેલી ચેરમેન વાઈસ ચેરમેન પદની ચૂંટણીની મત ગણતરી પહેલા 2 ડિરેક્ટરોએ આ સમગ્ર મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સમગ્ર મામલો કોર્ટમાં જતાં મતગણતરી અટકાવી દેવામાં આવી હતી.
બે વર્ષ બાદ આજે થઈ હતી મતગણતરી
ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ સુધી ચાલેલી લાંબી કાયદાકીય લડત બાદ હાઈકોર્ટે સરકાર દ્વારા નિયુક્ત કરેલા ત્રણ પ્રતિનિધિઓના મતોની ગણતરી રદ કરવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ આજે અમૂલના સભાખંડમાં વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તો અહીં ચેરમેન પદે રામસિંહ પરમારને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. વાઈસ ચેરમેન પદે કૉંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા જ્યારે વાઈસ ચેરમેન પદે બોરસદ કૉંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને રાજેશ પાઠક કરતા 3 મત વધુ મળતા વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા વર્ષોથી રામસિંહ પરમાર અને રાજેન્દ્ર સિંહ પરમારની જોડી અમુલ ઉપર રાજ કરી રહી છે.