14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ યોજાવાની છે. બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ક્રિકેટને લઈ ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ છે. આ મેચને જોવા લાખો પ્રેક્ષકો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવશે તે સંભાવનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત પાકિસ્તાન મેચને ધ્યાનમાં રાખી વિશેષ એએમટીએસ તેમજ બીઆરટીએસ બસ ફાળવવામાં આવી છે. સવારના 8 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી આ બસ સેવાઓ ચાલુ રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ શહેરમાં કોઈ પણ સ્થળે પહોંચવા માટે રૂપિયા 20 ભાડુ નક્કી કરવામાં આવ્યું છે..
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકની ટીમ વચ્ચે થશે ટક્કર
જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની હોય ત્યારે ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અનેક લોકો તો એવા હોય છે ભલે મેચમાં ખબર ન પડતી હોય પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ છે તે માટે મેચ તો જોવી પડે તેવું માનતા હોય છે. લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. બંને ટીમ વચ્ચે યોજાનારી મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષા બળોનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે. સ્ટેડિયમની આસપાસ પોલીસને તૈનાત કરવામાં આવી છે.
એએમટીએસ બસોને મેચને ધ્યાનમાં રાખી દોડાવાશે
મેચને ધ્યાનમાં રાખી વિશેષ ટ્રેનો તો દોડાવવામાં આવી છે. ટ્રેનનું બુકિંગ શરૂ થતાં જ ફૂલ થઈ ગઈ હતી. વેઈટિંગ હતું. આ મેચને જોવા દૂર દૂરથી દર્શકો આવી રહ્યા છે. અમદાવાદની હોટલો ફૂલ થઈ ગઈ છે. ત્યારે સ્ટેડિયમ સુધી પહોંચવામાં દર્શકોને કોઈ અગવડ ન પડે તે માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને ધ્યાનમાં રાખી એ.એમ.ટી.એસની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સટ્રા બસ દોડાવવામા આવશે. પૂર્વ તેમજ પશ્ચિમ એમ બંનેના કુલ મળીને પાંચ પોઈન્ટ પર 50 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.
બીઆરટીએસ બસ પણ રાત્રે ચલાવાશે
ઉપરાંત બીઆરટીએસ બસની સુવિધા પણ કરવામાં આવી છે. બીઆરટીએસની 22 જેટલી એક્સ્ટ્રા બસ રૂટ ઉપરાંત દોડાવવામાં આવશે. અમદાવાદ જનમાર્ગ દ્વારા હયાતરુટની ૪૫ બસ ઉપરાંત ૨૨ એકસ્ટ્રા બસ સાથે કુલ ૬૭ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી લોકોને મુકવા અને પરત લાવવા માટે રાત્રિના ૧ વાગ્યા સુધી બસ દોડાવામાં આવશે. એ.એમ.ટી.એસ.ની રુટની ૬૯ ઉપરાંત નાઈટની પચાસ બસ મળી કુલ ૧૧૯ બસ વિશ્વકપની મેચ માટે ફાળવવામાં આવી છે.