કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રસના અગ્રણી નેતાઓ હર્ષદ રિબડિયાને નિશાન બનાવી આકરા શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેરના હર્ષદ રિબડિયા પરના નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમરિષ ડેરની કોંગ્રેસ છોડવાની અટકળો વચ્ચે તેમનું નિવેદન સામે આવ્યું છે.
હર્ષદ રિબડિયા પર અમરિષ ડેરનો આક્ષેપ
હર્ષદ રિબડિયા પર અમરીષ ડેરએ આક્ષેપ કરતા કહ્યું કે, 'જનતા માટે લડવાના સમયે ત્યારે જ તેઓ પાછા પડી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીએ તેમને મોટું પદ આપ્યું હતું, જે પાર્ટીએ તેમને મોટા કર્યા છે, તેવી પાર્ટીને છોડીને જાય છે, તેમણે પાર્ટી છોડી તો અમને અને ઘણા લોકોને દુઃખ થયું છે. તેમણે કહ્યું કે, વ્યથા અને વેદનાથી પાર્ટી ન છોડવી જોઈએ.' હર્ષદ રિબડિયાને 40 કરોડની ઓફર મળી હતી તે અંગે તેમણે કહ્યું આ માહિતી તેમણે ખુદ આપી હતી. પરંતુ હવે જ્યારે લોકોની સેવા કરવાના સમય આવ્યો છે, ત્યારે તેઓનું પાર્ટી છોડીને જવું એ સ્પષ્ટ કરે છે કે લોકોની સેવા કરવાનું ભૂલ્યા છે.
અમરિષ ડેરએ કોંગ્રેસ પાર્ટીની પ્રશંસા કરી
અમરિષ ડેરે કોંગ્રેસ પાર્ટી સાથેના તેમના સંબંધો અને અનુભવો વર્ણવતા કહ્યું કે મારી નાની ઉંમરે પાર્ટીએ મને બહું આપ્યું છે. મેં યુવા ભાજપ મોરચા તરીકે કામ કર્યું છે તે જગ જાહેર છે અને આજે જ્યાં છું ત્યા સારી રીતે કામ કરુ છું. આ પાર્ટી સાથે રહીને જ કામ કરવાનો છું. અત્યારે ભાજપ પાસે પૈસા અને સત્તાનો પાવર છે એટલે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે ખુરસી સાફ કરી રહ્યા છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યુ કે, ભાજપ નેતાઓ અને કાર્યકર્તા ઉગળતો ચરુ છે.