ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે ઉપરાંત વિવિધ કાર્યો માટે ખાતમૂહુર્ત પણ કર્યા છે. વિધાનસભા ચૂંટણી પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ભાજપ કેવી રીતે અને કયાં મુદ્દે પ્રચાર કરશે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. અમિત શાહ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી માર્ગદર્શન આપવાના છે. આ બેઠકને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
કમલમ ખાતે યોજાશે બેઠક
આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ બાદ ગુજરાતમાં પહેલી વખત કોઈ ત્રીજી પાર્ટી મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટી આવવાથી ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર પર વધારે જોર આપી રહી છે. ભાજપ અને આપ વચ્ચે ઘણી વખત વાક્યુદ્ધ થયા છે. ત્યારે અમિત શાહનો ગુજરાત પ્રવાસ અતિ મહત્વ ગણવામાં આવી રહ્યો છે. આપના આવવાથી ભાજપ પોતાની રણનીતિમાં અનેક ફેરફાર કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અમિત શાહ બાદ 29-30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પોતાનો પ્રચાર કરવા ભાજપ, રાજ્યમાં યાત્રાનું આયોજન કરવાનું છે. વડાપ્રધાન મોદી પણ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી શકે છે ત્યારે આજે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરવાના છે.