ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ તારાજી સર્જી છે. અનેક જિલ્લાઓમાંથી નુકસાનીની તસવીરો સામે આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો તેમજ વીજથાંભલા ધરાશાયી થયા હતા. મુખ્યમંત્રી સતત આ મામલે અપડેટ લઈ રહ્યા હતા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે બિપોરજોય બાદ સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કચ્છની મુલાકાત અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી છે. કચ્છ જિલ્લાનું બંને નેતાઓએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ તેમણે માંડવીની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. બિપોરજોયને લઈ સાંજે પાંચ વાગ્યે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.
બિપોરજોયે મચાવી હતી તબાહી!
બિપોરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર તોળાતો હતો. દરિયાકિનારા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતા. તંત્ર દ્વારા એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી હતી. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે વાવાઝોડું તો જતું રહ્યું પરંતુ પોતાની પાછળ નુકસાની છોડીને ગયું. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો અને તેની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાતો હતો. ભારે પવન તેમજ વરસાદને કારણે અનેક વીજળી થાંભલા તેમજ વૃક્ષો ધરાશાયી થયાં હતા. ત્યારે વાવાઝોડા બાદ સર્જાયેલી પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા. તે બાદ તેમણે હોસ્પિટલની મુલાકાત લઈ લોકોના ખબરઅંતર પણ પૂછ્યા હતા.