ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એટલે હવે રાજનેતાઓના મોઢામાંથી એકબીજાની પાર્ટી વિશે ઝેર ઓકવામાં આવશે. આ મહિનાની અંદર ગુજરાતની રાજનીતિમાં એવા નિવેદનો પણ આપવામાં આવશે જે એકદમ ઘૃણાસ્પદ હશે. છોટાઉદેપુરના નસવાડીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પયાત્રા પહોંચી હતી. નસવાડીની યાત્રામાં અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર અને મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાઉ અને ભૂપાભાઈનું જ ચાલે છે. ગુજરાતની રાજનીતિનો રીમોટ કંટ્રોલ પાટીલ ભાઉના હાથમાં છે. આ એજ ભાઉ છે જેના પર ગુજરાતમાં 100 જેટલા ગુના નોંધાયા છે. આવા લોકો સરકાર ચલાવશે તો લોકોનું કેવું ભલું થશે તે ચર્ચાનો વિષય છે.
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ઉઠાવ્યા સવાલો
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા આક્ષેપો કર્યા હતા કે વર્ષ 2017ની ચૂંટણી વિજય રૂપાણીની આગેવાનીમાં લડવામાં આવી હતી. લોકોએ પણ વિજય રૂપાણીને મતો આપ્યા હતા અને સરકાર બનાવડાવી હતી પરંતુ ભાજપે તો સરકાર અધવચ્ચે જ પાડી દીધી અને પૂરા મંત્રીમંડળને ઘરભેગા કર્યા. આના પરથી લાગે છે કે ગુજરાતની સરકાર જ નિષ્ફળ છે.
કોંગ્રેસ આવતીકાલે અંદાજે 100 બેઠકોના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરશેઃ મનીષ દોશી
રાજનેતાઓની તીખી નિવેદનબાજી હવે શરૂ થઈ જશે અને મતદાન સુધી નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા જોવા મળી શકે છે. ગુજરાતના ત્રીપાંખિયા જંગમાં સાંપ્રદાયિક રીતે પણ નિવેદનો સંભળાતા રહેશે ત્યારે ચૂંટણી સુધી કઈ પાર્ટી લોકોને પોતાની વિચારધારા કે કામ તરફ ખેંચી શકશે તે જોવાનું રહેશે. આવતીકાલે કોંગ્રેસની સીઈસીની બેઠક મળશે જેમાં નામો આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવશે. ગ્રામ્યથી લઈ અત્યાર સુધીમાં 1800 જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ધારાસભ્ય પદ માટે દાવેદારી નોંધાવી છે. તેમાંથી કેટલા લોકોને ચૂંટણી લડાવવી તે મામલે ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે સીઈસીની બેઠકમાં કોંગ્રેસના 100 જેટલી વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. જ્યારે પૂરો સર્વે થઈ જશે ત્યાર બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે તેવી જમાવટને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માહિતી આપી હતી.