ગુજરાતના રાજકારણની ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ પરંતુ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું તેને કારણે 5 જગ્યાઓ પર પેટાચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણી પણ સાત મેએ થવાની છે. એક તરફ લોકસભા સીટના ઉમેદવારોને લઈ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ અહીંયા વાત પેટાચૂંટણીના ઉમેદવારની કરવી છે. સંભવિત ઉમેદવારોની ચર્ચા કરીએ..
આ પાંચ બેઠકો પર થવાની છે પેટા ચૂંટણી
જે જગ્યા પર પેટાચૂંટણી યોજાવાની છે તે બેઠકો છે - વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર. આમ તો 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થવાની હતી પરંતુ વિસાવદરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. એવી માહિતી સામે આવી કે કોર્ટ કેસ ચાલી રહ્યો છે જેને કારણે ત્યાં ચૂંટણી હમણાં નહીં યોજાય. શરૂઆત કરીએ પોરબંદર બેઠકથી. આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ચૂંટાઈને આવ્યા હતા. પોરબંદરના ધારાસભ્ય તે હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા તેમણે રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. પોરબંદર વિધાનસભા બેઠક માટે બીજેપી અર્જુન મોઢવાડિયાને ટિકીટ આપી શકે છે.
કઈ પાર્ટી કોને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં!
વાત કરીએ વિજાપુર બેઠકની તો ભાજપ સી.જે. ચાવડાને મેદાનમાં ઉતારી શકે છે જયારે કોંગ્રેસ પાર્ટી પોરબંદર અને વિજાપુર પરથી સરપ્રાઈઝ નામ ઉતારી શકે છે. ઉપરાંત માણાવદર બેઠક પરથી BJP અરવિંદ લાડાણીને ટિકીટ આપી શકે છે જ્યારે સામે કોંગ્રેસ પાલ આંબલીયા કે હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. હવે વાત કરીએ વાઘોડિયા બેઠકની તો આ બેઠક પરથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંઘ વાઘેલાને bjp ટિકિટ આપી શકે છે. સામે કોંગ્રેસ કનુભાઈ ગોહિલ અને કિરણ રાઠોડને મેદાનમાં ઉતારી શકે છે . ખંભાત વિધાનસભા પરથી બીજેપી ચિરાગ પટેલને જ ઉતારી શકે છે. સામે કોંગ્રેસ મહેન્દ્રસિંહ પરમાર કે નવીનસિન્હ સોલંકીને ઉતારી શકે છે .
પેટા ચૂંટણી માટે થઈ શકે છે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન
આ તરફ એક ચર્ચા એ પણ છે કે કોંગ્રેસ અને AAPનું ગઠબંધન આ પેટાચૂંટણી માટે પણ થઈ શકે છે. મળતી માહિતી મુજબ 5 પૈકી બે બેઠકની આમ આદમી પાર્ટીએ માગ કરી છે. વાઘોડીયા અને માણાવદર બેઠક ફાળવવા AAPએ માગણી કરી છે. આગામી બે દિવસમાં ગઠબંધન મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. આ મામલે બંને પક્ષ વચ્ચે બેઠક મળી હતી. લોકસભા માટે પણ હજુ વધુ બે બેઠકની AAPએ માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે 26 પૈકીમાંથી 2 બેઠક ગઠબંધન અંતર્ગત AAPને ફળવાઇ છે. બાકીની બેઠક દાહોદ, સુરત, જૂનાગઢ લોકસભા બેઠક પર પરોક્ષ ગઠબંધનની ચર્ચા છે.
વિસાવદર સીટની માગ આપે કરી?
હવે અહીં એક મહત્વની વાત કે વિસાવદર વિધાનસભા બેઠકની તો પેટાચૂંટણીની તારીખ ભારતીય ચૂંટણી કમિશને જાહેર કરી નથી. પણ આમ આદમી પાર્ટીને આ સીટ જોઈતી હતી. ત્યારે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે નહીં અને જો થાય છે તો કઈ બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવે છે.?