ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે એક તરફ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા. અલગ અલગ માધ્યમો દ્વારા ઉમેદવારો વિરોધ દર્શાવી રહ્યા છે. આ બધા વચ્ચે કરાર આધારિત ભરતી માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આંકડો સામે આવ્યો છે. ધોરણ 9 અને 10 માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે તેવી માહિતી સામે આવી છે. તો પ્રાથમિક શાળા માટે 18500થી વધારે ફોર્મ ભરાયા છે તેવી માહિતી પણ સામે આવી છે. મહત્વનું છે કે પ્રાથમિક માટે મુદ્દત લંબાવવામાં આવી છે. પાંચ દિવસ સુધી તારીખને લંબાવવામાં આવી છે.
અલગ અલગ પ્રકારે ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ભાવિ શિક્ષકો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. 11 માસના કરાર આધારિત ભરતીનો તે વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની માગ, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો પ્રયત્નો કરી રહ્યા છે. મુખ્યમંત્રી., શિક્ષણમંત્રી સહિત અનેક નેતાઓને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સાંભળવવામાં આવ્યો ન હતો. ત્યારે ભગવાન તેમજ સાધુ સંતોને પણ પત્ર આપી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ
કરાર આધારિત ભરતીનો એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે ચોંકાવનારો છે. શિક્ષણ વિભાગના દાવા અનુસાર ધોરણ 9 અને ધોરણ 10માં કરાર આધારિત ભરતી માટે રાજ્યમાંથી કુલ 19050 ફોર્મ ભરવામાં આવ્યા છે. માધ્યમિક માટે ફોર્મ ભરવાની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. પરંતુ પ્રાથમિક માટે આ મુદતને લંબાવવામાં આવી છે. પાંચ દિવસો માટે ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ છે. એવી પણ માહિતી સામે આવી છે પ્રાથમિક માટે અત્યાર સુધીમાં 18598 ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આગામી દિવસો દરમિયાન વધુ ફોર્મ ભરાશે તેવી સંભાવના છે. 17 સપ્ટેમ્બર સુધી આ તારીખને લંબાવવામાં આવી છે.
એક તરફ વિરોધ તો બીજી તરફ ઉમેદવારો આપી રહ્યા છે સમર્થન!
મહત્વનું છે કે એક તરફ અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જે ફોર્મ ભરી રહ્યા છે. જ્યારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે ફોર્મ ભરવામાં નહીં આવે પરંતુ જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. હવે જોવું એ રહ્યું કે આ આંદોલનમાં આગળ શું નવો વળાંક આવે છે.