૨૦૨૫ના વર્ષમાં જો કોઈ શબ્દનું સૌથી વધારે ચલણ છે તો તે છે "AI - આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ" . ચાઇના અને યુએસ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા છે . યુએસના ચેટ જીપીટીને જો કોઈએ ચેલેન્જ આપી હોય તો તે ચાઇનાનું ડીપસીક મોડલ છે. ઈઝરાઈલના પ્રોફેસર યુવાલ નોઆ હરારીએ દુનિયાને એઆઈને લઇને એક ચેતવણી ઉચ્ચારી છે . આવનારા પાંચ વર્ષમાં એક નવી ટેક્નોલોજી જેનું નામ છે એઆઈ સમગ્ર દુનિયાને અચંબિત કરી દેશે કેમ કે દુનિયાની મોટી મોટી ટેક્નોલોજી કંપનીઓ તેને એડવાન્સ બનાવવા રોકાણ કરી રહી છે . હાલમાં જ યુએસમાં "સ્ટારગેટ" નામના પ્રોજેક્ટને અમલમાં મુકવામાં આવ્યો છે . આ "સ્ટારગેટ" પ્રોજેક્ટમાં ઓપન એઆઈ , સોફ્ટબેન્ક , માઇક્રોસોફ્ટ , ઓરેકલ , એમજીએકસ અને નાવીડીઆએ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સના ઇન્ફ્રાસ્ટ્રચરના વિકાસ માટે ૫૦૦ બિલિયન ડોલર ખર્ચવાનું નક્કી કર્યું છે . આ પૈસાથી તેઓ અમેરિકામાં ડેટા સેન્ટરમાં વધારો કરવા માંગે છે . આ ૫૦૦ બિલિયન ડોલરમાં કેટલા મીંડા આવશે તે ગણવા પણ અઘરા પડે તેમ છે . પરંતુ અમેરિકાની આ મલ્ટીનેશનલ કમ્પનીઓની ખુશી બઉ સમય સુધી ના ટકી જયારે ચાઈનાની ડીપસીક નામની કંપનીએ પોતાનું સસ્તું અને સરળ એઆઈ મોડલ લોન્ચ કર્યું . જેનાથી સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો .
આ બાદ ભારતમાં પણ પોતાનું એઆઈ મોડલ બનાવવાની માંગે જોર પકડ્યું . તો હવે જાણીએ કે કેમ પોતાનું એઆઈ મોડલ જરૂરી છે જયારે ચેટજીપીટી , ગુગલનું જેમીનાઈ , માઈક્રોસોફ્ટનું કોપાયલટ તો હિન્દીમાં વાત કરે જ છે . તો આ પાછળની ટેક્નિકાલિટીને સમજાવી પડશે . આ જેટલા પણ ચેટબોટ્સ છે તે બધા એલએલએમ એટલેકે , લાર્જ લેન્ગવેજ મોડલ્સ પર કામ કરે છે . આ એલએલએમને ટ્રેઈન કરવા પડે છે તેનો મતલબ કે તેમને ઘણાબધા શબ્દો અને રૂઢિપ્રયોગ આપવા પડે છે. તેનાથી તેમને વાક્યનો અર્થ ખબર પડે અને તેમણે કઈ રીતે જવાબ આપવા પડે તેની પ્રોપર ટ્રેનિંગ મળે . જયારે એલએલએમ મોડલ્સ આ બધું શીખી જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે , આ કોઈ માણસ વાત કરી રહ્યું છે આ કોઈ મશીન નથી . આ રીતે આપણે ચેટબોટને કોઈ પણ ભાષા શીખવાડી શકીએ છીએ , અંગ્રેજી , સ્પેનિશ , ગુજરાતી ઉપરાંત ભારત અને દુનિયાની તમામ ભાષાઓ . પરંતુ આ સહેલું નથી એલએલએમ મોડલસને પ્રોપર રીતે ટ્રેઇનિંગ ના આપવામાં આવી તો તે ખોટા જવાબો પણ આપી શકે છે . તો હવે જોઈએ કે , ભારતમાં કઈ કઈ કંપનીઓ એઆઈનો વિકાસ કરવા પાછળ લાગેલી છે? સર્વપ્રથમ વાત કરીએ કે , ભારતજેનની તો તેનું ફંડિંગ ભારત સરકાર દ્વારા થાય છે. તેનો મુખ્ય હેતુ કમ્પ્યુટર , સ્પીચ અને ભાષા આધારિત ફાઉન્ડેશનલ મોડલ ડેવલપ કરવાનો છે . તે ૧૩ ભારતીય ભાષા આધારિત હશે . વાત કરીએ અન્ય AI સ્ટાર્ટઅપ્સની તો તેમાં , સર્વમ ૧ , કૃત્રિમ , ભારત જીપીટી , એવરેસ્ટનો સમાવેશ થાય છે . વર્તમાનમાં ભારતમાં ૨૩૦ જેટલા એઆઈ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે . આ ક્ષેત્રે ભારતમાં ૭૦ કરોડ રોકાયેલા છે .
ભારત સરકારે હાલમાં જ ઇન્ડિયાએઆઈ મિશન લોન્ચ કર્યું છે જેનાથી ભારતીય કંપનીઓને એઆઈના રિસર્ચમાં મદદ મળી શકે . એઆઈ ક્ષેત્રે ભારત સરકારે ૧૦,૩૭૧ કરોડ ફાળવ્યા છે . આ પૈસાથી ભારતીય કંપનીઓને ૧૦,૦૦૦ જીપીયુસ ખરીદવામાં અને ડેટા સેન્ટર સેટ કરવામાં મદદ મળશે . વૈશ્વિક રીતે જીપીયુનો એક કલાક ઉપયોગ કરવાનો ખર્ચો ૨.૫થી ૩ ડોલરનો હોય છે . જયારે ભારત સરકાર આ માટે ૪૦ ટકા સબસીડી આપીને માત્ર ૧ ડોલરમાં જીપીયુ આપણા સ્ટાર્ટઅપ્સને ઉપલબ્ધ કરાવડાવશે . વાત કરીએ ડીપસીકની તો , ચાઈનાએ તેને લોન્ચ કરીને સમગ્ર દુનિયાને અચંબિત કરી નાખી છે કેમ કે , તે ખુબ ઓછા જીપીયુનો ઉપયોગ કરીને સસ્તા દરે તેને બનાવવામાં આવ્યું છે . ભારતે આ ડીપસીક મુવમેન્ટનો ઉપયોગ કરીને પોતાનું પણ એક એઆઈનું ફાઉન્ડેશનલ મોડલ વિકસિત કરવું જોઈએ.
ઇઝરાયલના ખુબ પ્રખ્યાત પ્રોફેસર યુવાલ નોઆ હરારીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે કહ્યું છે કે , " આપણી પાસે આવનારા સમયમાં પેહલા કરતા વધારે અસમાનતા હશે કેમ કે , એઆઈ ક્ષેત્રે ક્રાંતિ માત્ર યુએસ અને ચાઈનામાં થઇ રહી છે . બીજા ઘણા દેશો એઆઈ ક્ષેત્રે પાછળ છે . એટલે જેમ ૧૯મી સદીમાં ઔધ્યોગીક ક્રાંતિ માત્ર બ્રિટેન , ફ્રાન્સ અને જાપાનમાં થઈને તેના પછી દુનિયાના બીજા ભાગોનું કાચા માલ અને શ્રમિકો માટે શોષણ થયું અને ગુલામ બન્યા તેમ આ યુએસ અને ચાઈનામાં થઇ રહેલી એઆઈ ક્રાંતિથી ૨૧મી સદીમાં નવી ગુલામીનું જોખમ છે." અહીં એક વાત ચોક્કસ છે કે , ભારતે પ્રોફેસર યુવાલ નોઆ હેરારીની વાત પર ધ્યાન દોરવું જોઈએ .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ફ્રાન્સના પેરિસ ખાતે યોજાયેલી એઆઈ એક્શન સમિટના સંબોધનમાં એઆઈ ટેક્નોલોજીના લોકતાંત્રીકરણ કરવા પર ભાર મુક્યો સાથે જ આ નવા એઆઈ મોડલ ઓપન સોર્સ અને બધા જ બાયસથી મુક્ત કરવાની તરફેણ કરી હતી .