વરસાદ પડવાને કારણે રસ્તાઓની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. તંત્રના કહેવા પ્રમાણે રસ્તાઓનું રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રોડના સમારકામ દરમિયાન રસ્તા પર થિગડા મારવામાં આવતા હોય તેવું લાગે છે.ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદમાં પહેલી વખત વ્હાઈટ ટોપ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રોડ બનાવામાં આવી રહ્યો છે. ગુરૂકુળ વિસ્તારમાં આ રોડ તૈયાર કરાઈ રહ્યો છે.
રસ્તા પર AMC દ્વારા થઈ રહ્યા છે અખતરા
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મતદારોને આકર્ષવા પાર્ટી તમામ પ્રયાસ કરી રહી છે. ખરાબ રોડ એક એવો મામલો છે જેની સીધી અસર મતદારો પર પડતી હોય છે. ખરાબ રસ્તાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ચૂંટણી સમયે AMC રસ્તા પર અખતરા કરી રહ્યું છે. તંત્રએ વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવાની શરૂઆત કરી છે. આ રોડને ડામરના રોડ કરતા વધારે મજબૂત માનવામાં આવે છે.
અગાઉ પ્લાસ્ટિકથી રોડ બનાવાની કામગીરી કરાઈ હતી
ખરાબ રોડને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. બોલપેન નાખવા માત્રથી રસ્તા પરનો ડામર ઉખડી ગયો હતો. વિપક્ષ દ્વારા આ વાતને લઈ સત્તા પક્ષ પર હુમલો કરવામાં આવ્યો હતો. અને ખરાબ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રએ પ્લાસ્ટિકથી રોડ બનાવાનું નક્કી કર્યં પરંતુ તે પદ્ધિતી ખર્ચાળ લાગતા તંત્રએ કામ બંધ કરી દીધું હતું.
અંદાજીત 20 કરોડના ખર્ચે બનશે આ રોડ
ખરાબ રસ્તાને સુધારવા ગુજરાત હાઈકોર્ટે તંત્રને અનેક વખત ટકોર કરી છે. પરંતુ યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા. ત્યારે રોડ સારો અને ટકાઉ બને તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. આ રોડ ગુરૂકુળ રોડ પાસે આવેલા તિર્થનગર પાસે તૈયાર કરવામાં આવશે. આ રોડ અંદાજીત 5 કિ.મી રોડ બનાવવામાં આવશે. આ રોડને બનાવા પાછળ અંદાજીત 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે.