સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરવામાં આવી છે. દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સ્વચ્છતાની જગ્યાએ કચરો જોવા મળતો હોય છે. અમદાવાદમાં પણ એવી અનેક સોસાયટીઓ હોય જ્યાં એન્ટરન્સ પર કચરો જોવા મળતો હોય છે. અનેક સોસાયટી બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે ત્યારે અમદાવાદમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી કડક બન્યું છે. મ્યુનિસિપિલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે શહેરભરમાં ફરશે. સોસાયટીની બહાર કચરો જોવા મળશે તો દંડ ફટકારવામાં આવશે. 10 હજાર જેટલો દંડ ફટકારવામાં આવી શકે છે.
સોસાયટી બહાર કચરો નાખતા પહેલા ચેતી જજો
કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં સાફ સફાઈ રહે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સફાઈની બદલીમાં ગંદકી જોવા મળતી હોય છે. અમદાવાદમાં અનેક સોસાયટીઓ બહાર કચરો નાખેલો જોવા મળતો હોય છે. સોસાયટી બહાર કચરો જોવા મળશે તો દંડ કરવામાં આવશે.
એએમસીની ટીમોને કરાઈ તૈનાત
અમદાવાદમાં સ્વચ્છતા રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગઈ છે. આજથી અમદાવાદની કોઈ સોસાયટીની બહાર કચરો હશે તો 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તે ઉપરાંત કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા ખાદ્ય પદાર્થ સહિતની વિવિધ વસ્તુઓ વેચતા એકમો પર પણ નજર રાખવામાં આવશે. કચરાના વેસ્ટમાંથી પ્લાસ્ટિકનો કચરો ત્વરિત લેવા સૂચના આપવામાં આવી છે. અનેક જગ્યાઓ પરથી ચાના કપ પણ મળી આવે છે. મળતી માહિતી અનુસાર હજુ પણ રોજના 20 લાખ જેટલા ચાના કપ મળી આવે છે. એવામાં એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની આ ટીમો દ્વારા આ અંગે પણ ઝુંબેશ ચલાવવામાં આવશે.