અમદાવાદાના માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની છે. હાઈકોર્ટના ઓર્ડર છતાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર રખડતા ઢોર મુદ્દે તદ્દન નિષ્ફળ રહ્યું છે. જો કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા તંત્ર દોડતું થયું છે. આ ફરિયાદમાં રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
AMCના અધિકારીઓ શા માટે નોંધાઈ ફરિયાદ?
અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે અડફેટે લેતા 39 વર્ષીય ભાવિન પટેલ નામના યુવાનને અકસ્માત થયો હતો. બ્રેઈનમાં મલ્ટીપલ હેમરેજની સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ કેસમાં મૃતકના મોટા ભાઈએ જાહેર રસ્તા પર ગાયને છૂટી મુકનારા ગાયના માલિક અને તે સાથે જ રસ્તાઓ પર રખડતાં ઢોર પકડવા મામલે બેદરકારી દાખવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે AMCના અધિકારી અને ઢોરના માલિક સામે નોંધ્યો ગુનો હતો. AMCના અધિકારીઓ સામે કલમ 304 હેઠળ ગુનો નોંધવામાં આવતા મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું છે. બીજી બાજુ મૃતક ભાવિન પટેલના પરિવારજનો જવાબદાર અધિકારીઓ સામે કડક અને સત્વરે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.
અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ગાયે અચાનક જ ડિવાઈડર ક્રોસ કરીને બાઈક પર સવાર ભાવિન પટેલને હડફેટમાં લીધા હતા. અવની સ્ક્વેર પાસે ભેરૂનાથ ટી સ્ટોલ સામે બનેલી અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે. ગાય અચાનક જ રસ્તો અને ડિવાઈડર ક્રોસ કરીને સામેના રસ્તે દોડી ગઈ હતી અને ભાવિન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી.