અસહ્ય મોંઘવારી અને ઉબડ-ખાબડ રસ્તાઓથી ત્રસ્ત અમદાવાદીઓની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. અમદાવાદ કોર્પોરેશન પણ જાણે અમદાવાદીઓની સહનશક્તિની પરીક્ષા લેતી હોય તેમ શહેરનાં મોડલ રોડ ગણાતા સિંધુ ભવન રોડ પર વાહન પાર્ક કરવા માટે ચાર્જ વસુલવાનો નિર્ણય કર્યો છે.
વાહન ચાલકોએ સિંધુ ભવન રોડ પર ચૂકવવો પડશે ચાર્જ
અમદાવાદના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર નાગરિકો ફ્રી માં વાહન પાર્ક નહિ કરી શકે. તમારે હવે પાર્કિંગ માટે પૈસા ચૂકવવા પડશે. AMC તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સિંધુ ભવન રોડ પર રસ્તા પર પાર્કિંગ કરવા બદલ ફી વસૂલવામાં આવશે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડર અનુસાર, ટૂ-વ્હીલર માટે એક કલાકના પાર્કિંગ માટે પાંચ રુપિયા લેવામાં આવશે જ્યારે ફોર-વ્હીલર માટે પ્રથમ બે કલાકના 15 રુપિયા વસૂલવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે વધુ એક રોડ પર પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવતા પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શહેરીજનોની મુશ્કેલી વધશે.
પે એન્ડ પાર્કિંગથી 21 લાખ રુપિયાની કમાણી થશે
નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા તંત્રને પાર્કિંગના આ નવા નિયમને કારણે 21 લાખ રુપિયા કમાણી થવાની આશા છે. સિંધુ ભવન રોડ પર આવેલી મોટાભાગની કોમર્શિયલ ઈમારતો અને રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની પૂરતી સુવિધા છે. અહીં આવનારા લોકો તે પાર્કિંગમાં જ વાહન મૂકવાને પ્રાથમિકતા આપે છે. માટે, ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે પૈસા લેવાની કોઈ તાત્કાલિક જરૂરિયાત જણાતી નથી. આ પાર્કિંગ પોલિસી પર અમદાવાદીઓ રોષ ઠાલવી કરી રહ્યા છે.