કોંગ્રેસ પાર્ટીમાં જુથબાજી અને અશિસ્ત મોટી સમસ્યા રહી છે, રાજ્યમાં કોંગ્રેસના નેતાઓની આંતરિક ખેંચતાણ કોઈનાથી છુપાયેલી બાબત નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના માંડ 24 કોર્પોરેટરો છે, અને તેમાં પણ ખટરાગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે AMCમાં વિરોધ પક્ષના નેતાનું પદ મેળવવા માટે ટાંટિયા ખેંચ શરૂ થઈ ગઈ છે. AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવાની માગ ફરી એકવાર ઉગ્ર બની છે.
શહેજાદખાન પઠાણને બદલા માગ
વિપક્ષી નેતા બદલવા માટે ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ અને અન્ય આગેવાનોએ સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ જૂથના સભ્યોની માંગ છે કે મોવડી મંડળે એક વર્ષ બાદ વિપક્ષી નેતા બદલાશે તેવું વચન આપ્યું હતું, ત્યારે હવે ઝડપથી વચન પર અમલ કરીને AMCમાં વિપક્ષી નેતા બદલવામાં આવે. AMCમાં વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદખાન પઠાણે સામાન્ય સભામાંથી કોંગ્રેસના સભ્યોના વૉકઆઉટને ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મળી ગેરશિસ્ત કરનારા આગેવાનો સામે પગલા લેવાની રજૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સામે અસંતોષ લાંબા સમયથી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ વિપક્ષ નેતા બદલવા માટેની માગણીને લઇ છેક દિલ્હી સુધી રજૂઆતો કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મૂકુલ વાસુનિકની નિમણુક થતા વિપક્ષના નેતા પણ બદલાશે તેવી આશા કોર્પોરેટરો રાખી રહ્યા છે.
કોણ છે રેસમાં?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાના પદ માટે કોંગ્રેસના કોર્પોરેટરોમાં પણ બે જુથી પડી ગયા છે. વિપક્ષના નેતા પદ માટે હવે સિનિયર સભ્યો રોટેશનનો અમલ કરવા માગ કરી રહ્યા છે. વિપક્ષના નેતા પદ માટે ગોમતીપુરના ઈકબાલ શેખ, ચાંદખેડાના રાજશ્રી કેસરી સહિતના આગેવાનો રેસમાં છે.