અમદવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, જ્યારે ગર્વ લેવાની વાત હોય ત્યારે અમદાવાદમાં કરાયેલા કામોનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ જ્યારે અમદાવાદના રસ્તાઓ પર પડેલા ભૂવાઓની વાત હોય ત્યારે? અમદાવાદમાં થોડા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઠેર ઠેર ભૂવાઓ પડી જતા અમદાવાદમાં ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદે તંત્રની એક તો પ્રિ-મોનસુનની પોલ ખોલી છે તો બીજી રસ્તાઓની ગુણવત્તાની પોલ પણ ખોલી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
વરસાદને કારણે અનેક વખત તૂટી પડે છે કાચા રસ્તાઓ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર મેઘ મહેર જોવા મળી રહી છે. તંત્રની કામગીરી પર અનેક વખત પ્રશ્ન પૂછવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લાગે છે. એવી જ પરિસ્થિતિ છે અમદાવાદના રસ્તાઓની. ચોમાસા દરમિયાન અંહીયા ભૂવો પડ્યો ત્યાં ભૂવો પડ્યો તેવા સમાચારો આપવા પડે છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદના રસ્તાઓ પર અનેક ભૂવાઓ જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ જો સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની આવી પરિસ્થિતિ હોય તો અન્ય જગ્યાઓની કેવી પરિસ્થિતિ હશે તે આપણે જાણી શકીયે છીએ. અનેક વખત બ્રિજ તૂટી પડવાના, કાચા રસ્તાઓ તૂટી પડવાના કિસ્સાઓ આપણે જોયા છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર ભૂવા વધતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.
ચેરમેન મહાદેવ દેસાઈનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
ભૂવોઓને લઈ એક તરફ અમદાવાદીઓ પરેશાન ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોડ એન્ડ બિલ્ડિંહ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે કે રસ્તાઓ પર ભૂવા કેમ પડી રહ્યા છે. જે વીડિયો અંગે વાત કરવામાં આવી રહી છે તેમાં ચેરમેન મહાદેવ દેસાઈ કહી રહ્યા છે કે પાણી અને ડામરને વેર છે એટલે ખાડા પડે છે. વધુમાં તેઓ કહી રહ્યા છે કે ખાડાનો આંકડો જિંદગીમાં કોઈની પાસે ના હોય. ગણ્યા ગણ્યા નહીં, છાબડીમાં માય નહીં એટલા ખાડા. પાણી અને ડામરનું કોમ્બીનેશન સેટ થતું નથી એટલે જ શરૂઆતથી જ ખાડાની સમસ્યા છે. જ્યારથી ડામરના રોડ બનવાના ચાલુ થયાં એ દિવસથી આ પ્રોબ્લેમ છે.
સામાન્ય વરસાદે બગાડી સ્માર્ટ ગણાતા અમદાવાદની તસવીર
મહત્વનું છે કે એક તરફ અમદાવાદીઓ માટે રસ્તા પર પડેલા ખાડા, રસ્તા પર પડી રહેલા ભૂવોઓ માથાનો દુખાવો બની રહ્યા છે તો બીજી તરફ એએમસી ચેરમેન આવા પાયાવિહોણા તર્ક આપી રહ્યા છે. શું લોકોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવો તંત્રની જવાબદારી નથી? લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું માત્ર બે ત્રણ દિવસ પડેલા વરસાદે રસ્તાની આવી હાલત કરી દીધી તો આગામી સમયમાં એવું ન થાય કે ભૂવા વાળી જગ્યા પર રસ્તો શોધવો પડે.