વાવાઝોડાને લઈ સતત અપડેટ આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. તો કોઈ જગ્યા પર ભારે પવન વહી રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડું ક્યારે ટકરાશે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. તે મુજબ 15 તારીખ સાંજે વાવાઝોડું માંડવીથી લઈને કરાચીની વચ્ચે ટકરાઈ શકે છે. જખૌ બંદર નજીકથી આ વાવાઝોડું પસાર થઈ શકે છે.
વાવાઝોડા ટકરાયા બાદ શું થશે અસર?
હવામાન વિભાગ દ્વારા બિપોરજોયને લઈ અપડેટ આપવામાં આવી રહી છે. મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે કચ્છના જખૌ બંદર ખાતે બિપોરજોય ટકરાઈ શકે છે અને તે વખતે પવનની ગતિ 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની હોવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. તે સિવાય તેમણે માછીમારોને 16 જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. વાવાઝોડા ટકરાયા બાદ શું અસર થશે તેની માહિતી પણ મનોરમા મોહંતી દ્વારા આપવામાં આવી છે. જે મુજબ વાવાઝોડું ટકરાયા બાદ તે રાજસ્થાન તરફ જશે. જેને કારણે નોર્થ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈ કરી આગાહી!
વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જાણકારી આપી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 14થી 16 જૂન સમગ્ર રાજ્ય માટે ધ્યાન રાખવું જરુરી છે. દરિયા કિનારાના જિલ્લાઓની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારમાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને તમામ લોકોએ સાવચેતી રાખવી જરુરી છે. તે સિવાય પશ્ચિમ-ઉત્તરના ભાગોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. વાવાઝોડાનું જોખમ જખૌ બંદર પર છે. પૂર્વ ગુજરાત અને રાજસ્થાનના ભાગો પર પણ વાવાઝોડાની અસર થશે. મધ્ય ગુજરાતમાં પણ પવનની અસર થશે.