ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. એવું લાગતું હતું કે હવે માવઠું નહીં આવે પરંતુ ફરી એક વખત જગતના તાતની ચિંતા વધે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસમાં તાપમાનમાં તો ઘટાડો નોંધાશે પરંતુ કમોસમી વરસાદના મારને સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ફરી એક વાર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. કરા સાથે વરસાદ આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
એક સાથે ત્રણ ઋતુનો થતો હતો અહેસાસ!
પહેલા એક સમય હતો જ્યારે બહુ ઓછા ચક્રવાતો આવતા હતા પરંતુ હવે તો અવાર-નવાર સિસ્ટમ સક્રિય થાય છે જેને કારણે વાતાવરણ પર ગંભીર અસર પડે છે. થોડા દિવસો પહેલા ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. ગમે ત્યારે વરસાદ આવતો, ગમે ત્યારે ઠંડીના ચમકારાનો અનુભવ થતો તેમજ ગરમી પણ જોવા મળતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઋતુચક્ર પર પડી રહી છે. શિયાળામાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હજી પણ માવઠાનો સામનો કરવો પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
આ તારીખો દરમિયાન આવી શકે છે કમોસમી વરસાદ!
કમોસમી વરસાદ અંગેની આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે જેની અસર ગુજરાતના વાતવારણ પર પડશે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે ગુજરાતમાં 13 અને 14 ડિસેમ્બરે માવઠુ પડવાની શકયતા છે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે જેને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે થોડા દિવસોથી રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.