ગુજરાતમાં સંભવિત ચક્રવાતને લઈ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, ત્યારે વાવાઝોડાને લઈને હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. દક્ષિણ અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. હવે તે ડિપ્રેશન બનીને આગળ વધશે. આગામી સમયમાં વાવાઝોડું બન્યા બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે અંગેની સંભાવનાઓ અંગે અંબાલાલ પટેલે આગાહી કરીને વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી.
દરિયામાં 60થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાશે
અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસર કેરળમાં પહોંચનારા ચોમાસા પર પણ પડી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ અનુસાર આ વાવાઝોડું ભયાનક સ્વરૂપ લઈ શકે છે. 7થી 9 જૂન સુધી દરિયો ભારે તોફાની બની શકે છે. દરિયામાં 60થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે. વાવાઝોડાની અસરથી દરિયામાં ઉંચા મોજા ઉછળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. દરિયાના એક હજાર માઈલના અંતરમાં તેની અસર રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી શું છે?
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ગરમીના પ્રકોપ વચ્ચે આગામી 9 અને 10 જૂનના રોજ રાજ્યમાં વરસાદની સંભાવના છે. સાથે જ રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 15-16 જૂને વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું કે, આ વર્ષે ચોમાસુ મોડું 10-11 જૂનથી ભારતમાં અને ગુજરાતમાં 15-16 જૂને આવે તેવી શક્યતા છે. હાલ અરબ સાગરમાં આવનારા વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું થયું છે. લક્ષદીપમાં વાવાઝોડું આવવાની શક્યતાથી વાદળનો સમૂહ લો પ્રેશર તરફ ખસી જતા ચોમાસુ મોડું થશે. દક્ષિણ ગોળાર્ધમાંથી હવાના ભારે દબાણને લીધે આવતું વરસાદી વહન વિષુવૃત આવતા ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન વિષુવૃત ઉપર હોવી જોઈએ. વિષુવૃત ઉપર સાનુકૂળ હવામાન બાને અને મોસમી પવન ઉદભવે અને આ પવનો ભારતમાં આવતા મેડાગાસ્કર ટાપુ ઉપર થઈને દક્ષિણ પશ્ચિમ કેરલ તરફ વહેવા લાગે ત્યારે ખરું ચોમાસુ કહેવાય. પરંતુ આ વર્ષે આ સિસ્ટમ સાનુકૂળ નથી બની જેના કારણે ચોમાસુ વિલંબ બન્યું. જો કે 5-6-7 જૂને કેરળમાં કેરળમાં વરસાદ થઇ શકે છે. ઉત્તર હિંદ મહાસાગરમાં પણ સ્થિતિ સારી થતા વરસાદ આવી શકે છે એટલે ચોમાસુ એક અઠવાડિયા જેટલું મોડું પડી શકે છે. ગુજરાતમાં વિધિવત ચોમાસુ 22-23-34 થી 8 જુલાઈમાં આવી શકે છે.