દેશનાં 51 શક્તિપીઠ પૈકીના અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. માં અંબાનાં દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લાખો માઈભક્તો મુશ્કેલ પદયાત્રા કરી અંબાજીમાં ઉમટી પડયા છે. જયમાં અંબેના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. લાખોની સંખ્યામાં ભક્તોએ વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી. બે વર્ષ બાદ યોજાઈ રહેલા ભાદરવી પૂનમનાં મેળામાં સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા માઇભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.
અંબાજીમાં ઉમટ્યો માનવ મહેરામણ
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દરરોજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુંઓ ઉમટી રહ્યા છે. એક અનુમાન મુજબ છેલ્લા પાંચ દિવસમાં 20 લાખ કરતા વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે. આ મહાકુંભમાં ભાગ લેવા ખાસ દેશ-વિદેશથી અહીં અંબાજી દર્શને પહોંચ્યા હતા. શ્રધ્ધાળુંઓએ મા અંબાના દર્શન કરી માતા પ્રત્યેની સંવેદનાઓ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. હાલના આ મહાકુંભમાં એક અંદાજ મુજબ 30 લાખ યાત્રિકો પૂનમ સુધીમાં મા અંબાના ધામમાં ચાલતા અને વિવિધ સંઘો લઇ ધ્વજારોહણ કર્યું હતું. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
શ્રધ્ધાળુંઓએ દાનપેટીઓ છલકાવી
અંબાજી મહાકુંભમાંમાં આવેલા લાખો યાત્રિકોએ મા અંબેના ભંડારા અને દાનપેટીઓમાં ખુલ્લા હાથે દાન કરતા દાનપેટીઓ છલકાઈ છે. અત્યાર સુધીના આંકડાઓ જોઈએ તો અંબાજીમાં અંદાજિત 4 કરોડ 41 લાખથી વધુની રકમથી ભંડારો છલકાયો છે. દાનપેટીમાં આવેલી રકમને 10,20 અને 50 તેમજ 100 અને 500 તેમજ 2000ની નોટોને અલગ તારવી તેના બંડલ બનાવાયા છે. અંબાજીમાં આવતા ભક્તોના દાનની ગણતરી અંબાજી મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ સીસીટીવી કેમેરા સામે કરે છે.