રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતા દર્શનાર્થીઓની સુરક્ષાને લઈ મંદિર વહીવટદારે મહત્વનો નિર્ણય લીધો છે. યાત્રાળુઓનો ધસારો જોતા મંદિર વહીવટી તંત્રએ મંદિર પરિષરમાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા કેટલાય સમયથી મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ દ્વારા મંદિરમાં મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં લોકો પ્રવેશી રહ્યા હોય તેવી ફરિયાદ ઉઠી રહી હતી જેના પગલે હવે તમામ ભાવિક ભક્તોની ગેટ પર ચકાસણી કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવાની સૂચના આપવામાં આવી છે.
મંદિરના વહીવટદારે આપ્યો આદેશ
અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં કેટલાક યાત્રિકો મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશતા હોવાની ફરિયાદો ઉઠી હોવાના લીધે અંબાજી મંદિરના વહીવટદારે ફરિયાદો બાદ સઘન સુરક્ષાના PSI અને GISFના SOને સૂચના આપી છે. મંદિરના તમામ ગેટો પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કર્યા બાદ મંદિરમાં મોબાઈલ વિના પ્રવેશવા દેવાની સૂચના આપી છે. અંબાજી મંદિરના ગેટ નંબર 7 અને ગેટ નંબર 9થી યાત્રિકો મોબાઇલ લઈ પ્રવેશતા હોવાની ફરિયાદો ઉઠી હોવાના લીધે. અંબાજી મંદિરના તમામ ગેટ પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કરવા સઘન સુરક્ષાના અધિકારીઓને તાકીદ લેવા અંબાજી મંદિરના વહીવટદારે સૂચના આપી છે.
ફોટોગ્રાફી કરતા યાત્રિકોનો મોબાઈલ જપ્ત
તે ઉપરાંત હવે જો કોઈ યાત્રિક અંબાજી મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશી ફોટોગ્રાફી કરતા હોવાનું માલુમ પડશે તો તેના પર કાર્યવાહી થશે. મંદિરના સુરક્ષાકર્મીઓ દર્શનાર્થીઓનો મોબાઈલ પણ જપ્ત કરી શકશે. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા મંદિર પરિસરમાં મોબાઈલ પ્રતિબંધનો તાકીદે અમલ કરવા માટે અધિકારીઓને કડક સૂચના આપી છે.