શક્તિપીઠ અંબાજીમાં શ્રધ્ધાળુંઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાહેરાત કરી છે. આ રીતે અંબાજીમાં એક સપ્તાહથી શરૂ થયેલા મોહનથાળ પ્રસાદના વિવાદનો સુખદ અંત આવ્યો છે.
વિવાદ વધતા સરકારે લીધો નિર્ણય
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાવાનો વિવાદ વણસ્યો હતો. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટે અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિકીનો પ્રસાદ શરૂ કરતા માઈ ભક્તોમાં ભારે રોષ હતો. આ મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. આ કારણે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી હતી.
મિટિંગ બાદ લેવાયો નિર્ણય
અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અંબાજી મંદિરના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રસાદ ચાલુ રાખવો કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી.રાજ્ય સરકારે અંબાજી મંદિરના ભટ્ટજીની સરકાર સાથેની બેઠક બાદ આ નિર્ણય કર્યો છે. મિટિંગ બાદ મોહનથાળની સાથે-સાથે ચિકીનો પ્રસાદ પણ ચાલુ રાખવાનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.