આવતી કાલે ભાદરવી પૂનમ છે. પૂનમને લઈ માઈ મંદિરોમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પૂનમ માતાજીને સમર્પિત હોય છે. આમ તો દરેક પૂનમનું મહત્વ વિશેષ હોય છે પરંતુ ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો મહિમા અનેરો હોય છે. ભાદરવી પૂનમ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લાખોની જનમેદની શક્તિપીઠ અંબાજીમાં ઉમટી છે. પગપાળા અનેક માઈભક્તો અંબાજી પહોંચતા હોય છે. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં 30.50 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લઈ લીધી છે. અંબાજી તરફ જતા માર્ગ બોલ મારી અંબે જય જય અંબે.. ગરબાની રમઝટ પણ માઈ ભક્તો ચાચર ચોકમાં બોલાવી રહ્યા છે. અંબાજી મેળામાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લઈ લીધી છે.
પાંચ દિવસમાં 30.50 લાખ ભક્તોએ લીધી મુલાકાત
કહેવાય છે કે શ્રદ્ધાને પૂરાવાની જરૂર નથી હોતી. અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની જનમેદની ઉમટતી હોય છે. શક્તિ પીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. 30.50 લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લઈ લીધો છે. ત્યારે આવતી કાલે ભાદરવી પૂનમ છે. ભાદરવી પૂનમ સુધીમાં 40 લાખ જેટલા ભક્તો દર્શનાર્થે આવી શકે છે તેવું અનુમાન છે.
ભક્તિના રંગમાં રંગાયું યાત્રાધામ અંબાજી
રાજ્યના અલગ અલગ ખૂણેથી માઈ ભક્તો શક્તિપીઠ પહોંચી રહ્યા છે. કોઈ ધ્વજા લઈને મંદિરના પ્રાંગણ પહોંચી રહ્યા છે તો કોઈ ઘૂંટણના બળે ચાલી માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જય અંબેના નાદથી અંબાજી તરફ આવતા રસ્તાઓ ગુંજી રહ્યા છે. મંદિરનું પટાંગણ પણ ભક્તિના રંગમાં રંગાયું છે. આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. ભક્તો ભક્તિમાં તરબોળ દેખાયા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે આંખો ભીની કરી દે તેવા છે.