શક્તિપીઠ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લાખો માઈ ભક્તો પરિક્રમા કરવા માટે શક્તિપીઠ જઈ રહ્યા છે. અંબાજી મંદિર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ તેમજ ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા. ભક્તિમાં લીન ધારાસભ્યો તેમજ મંત્રીઓ દેખાયા હતા. મંત્રીમંડળે મહાઆરતી પણ કરી હતી.
સીએમ, વિધાનસભા અધ્યક્ષ સહિત ધારાસભ્યોએ લીધો પરિક્રમા મહોત્સવમાં ભાગ
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ યાત્રાઓ કાઢવામાં આવે છે. ત્યારે આજે જ્યોતયાત્રા, મશાલ યાત્રા તેમજ ત્રિશુળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. બુધવારના દિવસે ગુજરાતનું આખું મંત્રી મંડળ, વિધાનસભાના સભ્યો ગબ્બર દર્શન કરવા પહોંચ્યા હતા. વિવિધ પૂજા મંડપમાં વિવિધ ધારાસભ્યોએ પૂજા કરી હતી. આ યાત્રાની સુંદર તસવીરો નેતાઓએ શેર કરી છે.
લાખો શ્રદ્ધાળુઓએ મા અંબા સમક્ષ શિશ નમાવ્યું
મુખ્યમંત્રી સહિત મંત્રી અને ધારાસભ્યો અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્યોએ જય અંબેના નારા લગાવ્યા અને માના દર્શન કર્યા. મહાઆરતીમાં પણ જોડાયા અને સાથે 330 પગથિયા ચઢીને માની પરિક્રમા પણ કરી અને એ દ્રશ્યો સુંદર હતા જ્યારે ગૃહરાજ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ બધા ભજનો ગાતા હતા. આ બીજા વર્ષે અંબાજીમાં પરિક્રમાનું આયોજન થયું છે. મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અંબાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો છે અંબાજી ગબ્બર પર 4 કિમી થી વધુનો ગોળાર્ધ છે અને 400 સીડી પર અલગ અલગ જગ્યાએ 11 લાખ દીવડાઓ મૂક્યા છે. લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા મહોત્સવમાં ભાગ લીધો છે.