દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થકના બે લાફાંથી શરૂ થયેલી અમરાભાઇ ચૌધરીની ન્યાય યાત્રા ગાંધીનગરમાં વિરામ પામી છે. બનાસકાંઠાથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાનો આજે સાતમો દિવસ છે. અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા. સાતમા દિવસે ન્યાય યાત્રા મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી હતી. જોકે ગોઝારીયા ખાતે મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામા આવતા તમામ ખેડૂતોને અહીથી આગળ ન વધવા દેવાના આદેશ અપાયા હોવાથી યાત્રાને રોકવામાં આવી હતી.
અમરાભાઈને CMનું તેડું
અમરાભાઈ ચૌધરીના નેતૃત્વમાં નિકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાને ગોઝારીયા ખાતે રોકવામાં આવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ મધ્યસ્થી બનીને અમરાભાઈ સહિત તમામ ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ ગઈ હતી. આ ખેડૂત આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જમાવટે જ્યારે આ મુલાકાત અંગે અમરાભાઈને પુછ્યું તો તેમણે કહ્યું કે સમાધાન થઈ ગયું છે. જો કે મૂળ મુદ્દો કેશાજી ચૌહાણના રાજીનામા બાબતે તેઓ મુખ્યમંત્રી સંમત થયા નથી. તે જ રીતે અમરાભાઈએ તેમનું આંદોલન હાલ પુરતું પુરૂ થયું હોવાનું પણ જણાવ્યું હતું. જો કે અમરાભાઈએ તે પણ કહ્યું હતું કે જો તેમની માગણીઓ સંતોષાશે નહીં તો તે ફરી આંદોલન કરશે તેવી પણ ચિમકી આપી હતી.