ગુજરાતમાં ચૂંટણી રંગ બરાબરનો જામ્યો છે. ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી અને નેતાઓ એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને લઈ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અલ્પેશે કહ્યું કે કોંગ્રેસે વર્ચસ્વ ગુમાવી દીધું છે અને એક પણ નેતા પાસે જનસમર્થન નથી. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150થી વધુ સીટો આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસે વર્ચસ્વ ગુમાવી દીધું છે - અલ્પેશ
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના નિવેદનથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસને લઈ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ વર્ચસ્વ ગુમાવી દીધું છે. તેમણે કહ્યું કે ગુજરાતની ચૂંટણી અમારા માટે કોઈ પડકાર નથી. અહીં કમળ ભૂતકાળમાં જીત્યો છે અને ભવિષ્યમાં પણ જીતશે. ભાજપ 150 સીટ જીતી સરકાર બનાવશે. કોંગ્રેસનો રાજ્યમાં કોઈ આધાર નથી, તેમના નેતાઓ એકબીજા સાથે લડી રહ્યા છે અને હાર માની ગયા છે.
એક સમયે ભાજપનો વિરોધ કરનાર આજે કરે છે ભાજપના ગુણગાન
ત્યારે એક પ્રશ્ન અવશ્ય પૂછવાની ઈચ્છા થાય કે ભાજપમાં એવો કયો પારસમણી છે કે ભાજપમાં જોડાયા બાદ ભાજપનો પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ જાય છે. એક સમયે જે સરકારનો અને સરકારની નીતિનો વિરોધ કરતા હોય તે જ લોકો ભાજપમાં જોડાયા પછી ભાજપના ગુણગાન ગાય છે. આ સવાલ માત્ર અલ્પેશ ઠાકોર માટેનો સવાલ નથી પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા દરેક નેતાઓ માટે છે.
ભાજપ પ્રત્યેનો પ્રેમ અનેક વખત છલકાઈ જાય છે
જે નેતાઓને ભાજપમાં ખામી જ ખામી દેખાતી હતી પરંતુ ભાજપમાં જોડાયા બાદ પાર્ટીનો એક પણ દુર્ગુણ નથી દેખાતા. કોંગ્રેસને અલવિદા કહી અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમાંથી એક નામ હતું અલ્પેશ ઠાકોર. એક સમયે ભાજપ વિરોધમાં આંદોલન કરનાર અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાયા બાદ ભાજપ પ્રત્યે તેમનો પ્રેમ અનેક વખત સામે આવતો રહે છે.