ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપના સ્થાનિક નેતાઓ ટિકિટ માટે લોબીંગ કરી રહ્યા છે. પાટણ જિલ્લામાં પણ રાજકીય ઉથલ પાથળ થાય એવા એંધાણ જણાઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપમાં જ સ્થાનિક આગેવાનોમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. રાધનપુર બેઠક માટે ટિકિટ લેવા મુદ્દે સ્થાનિક નેતાઓ અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે.
બે દિગ્ગજ ઠાકોર નેતાઓએ ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું
રાધનપુર વિધાનસભા બેઠક માટે સી.આર.પાટીલે અલ્પેશ ઠાકોરને અભિનંદન આપ્યા ત્યારથી ભાજપના સ્થાનિક નેતાઓમાં અસંતોષ વધ્યો છે. ચૂંટણી પહેલા રાધનપુર વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આજે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં 'જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક'ના સુત્રોચ્ચાર સાથે સમીના રણાવાડા ગામે રાધનપુર વિધાનસભાની અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર, ચૌધરી, માલધારી, આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા.
મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરના વિરોધમાં સુત્રોચ્ચાર
સમીના રણાવાડા ગામે યોજાયેલા મહાસંમેલનમાં મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સંમેલનમાં ભાજપમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી માંગ ઉઠી હતી. હાલ એવી અટકળો ચાલી રહી છે કે, રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહિત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ હોવાના સૂર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે. ભાજપના નેતા નાગરજી ઠાકોર-લવિંગજી ઠાકોર જૂથ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જો ભાજપ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપશે તો સ્થાનિક નેતાઓ પાર્ટી વિરોધી પ્રવૃતિ કરશે જેથી ચૂંટણીમાં ભાજપને ફટકો પડશે તેવુ માનવામાં આવી રહ્યું છે.