ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઠાકોર અગ્રણી અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓ વધી રહી છે. રાધનપુર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજમાં જ વિરોધના સુર ઉઠ્યા છે. અલ્પેશ ઠાકોરને સ્થાનિક ભાજપ કાર્યકરોનું પણ સમર્થન મળી રહ્યું નથી.
સમીના રણાવાળામાં યોજાયેલા સંમેલનમાં વિરોધ
ઠાકોર સમાજનું એક મોટું સંમેલન સમીના રણાવાળા ખાતે યોજાયું હતું. આ સમેલનમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટ્યા હતા. જેમાં ઠાકોર આગેવાન સુરેશ ઠાકોરે અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે. એનો ઠાકોર સમાજને પતાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં પણ હોય એને મૂકવાનો, પ્રચાર કરાવવાનો, અને ઠાકોરોને હરાવવાના અને ઠાકોરોની વાત કરે છે અને ઠાકોર સમાજના નામે સંગઠન બનાવીને ચાલે છે. કોને બનાવો છો તમે. એકબાજુ રાધનપુર વિધાનસભામાં તમે સમાજને એમ કહો છો, હું સમાજ માટે આવ્યો છું, જ્યારે બીજી વિધાનસભામાં ઠાકોર સમાજના ઉમેદવાર સામે પ્રચાર કરો છો તમે. એ બે વાતો નહીં ચાલે.