ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નથી આવી રહી છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. પક્ષપલટાની સિઝન ચાલી રહી છે. ત્યારે PAAS કન્વીનર ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આવી હવાને વધારે વેગ લલિત વસોયાની વાતથી મળ્યો છે. ધારાસભ્ય લલિત વસોયાએ વાત કરી છે કે, અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવાના છે. લલિત વસોયા માટે પણ અનેક ચર્ચામાં રહેતા હોય છે જેમાં તેઓ ભાજપમાં જોડાવાના છે તે વાત કરવામાં આવતી હોય છે.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આપ્યા સંકેત
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે મને મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થયા બાદ મેં અલ્પેશ સાથે ટેલિફોન પર વાત કરી હતી. પોતાની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હજુ સુધી અલ્પેશ કથીરિયા રાજકારણના માણસ નથી.તેઓ સમાજના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. અલ્પેશ પોતાના હિતને બાજુ પર રાખીને સમાજને સાથે રાખીને ચાલશે. તેમણે કહ્યું કે જો ભાજપ સરકાર તેમની બે માગ સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાવાનો વિચાર કરશે.
જો ભાજપ શરતોનો સ્વીકાર કરશે તો અલ્પેશ ધારણ કરશે કેસરિયો
અલ્પેશ કથીરિયાએ ભાજપ પાર્ટી સામે બે શરત મુકી છે. એક શરત એવી છે કે જેમાં અનામતના આંદોલન સમયે પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પરત ખેંચવા તેમજ આ લડાઈમાં જે 14 યુવાનોએ જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારને ન્યાયની માગ મુખ્ય છે. જો સરકાર આ માગને સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેમના કહેવા પ્રમાણે સમાજનું હિત તેમના માટે સર્વોપરી છે તેથી પહેલા સમાજનું કામ થશે પછી જ હું કંઈ પણ નિર્ણય લઈશ. ત્યારે શું અલ્પેશ કથીરિયા સાચે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે એક પ્રશ્ન છે.