લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ગયું છે. 7 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે.પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ થશે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું મતદાન 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ જ્યારે સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 7મેના રોજ મતદાન થવાનું છે. ચોથી જૂનના રોજ ચૂંટણીનું પરિણામ આવશે.
5 બેઠકો માટે આ તારીખે યોજાશે પેટાચૂંટણી
ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો અંગે તો જાહેરાત કરવામાં આવી ગઈ છે ઉપરાંત ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની 6 બેઠકો ખાલી છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા પાંચ બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. વિસાવદરના નામનો ઉલ્લેખ ચૂંટણી પંચ દ્વારા નથી કરવામાં આવ્યો. તે સિવાય વાઘોડિયા, પોરબંદર પર તેમજ ખંભાત, વિજાપુર, માણાવદર પર પેટા ચૂંટણી 7 મેના રોજ હાથ ધરવામાં આવશે. વિસાવદર પેટા ચૂંટણી અંગે જાહેરાત નથી કરવામાં આવી.
વિસાવદર બેઠક માટે નથી કરાઈ પેટાચૂંટણીની તારીખ જાહેર
એવું માનવામાં આવતું હતું કે 6 વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટાચૂંટણીની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી પરંતુ તે જાહેરાતમાં માત્ર 5 વિધાનસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વિસાવદર બેઠક અંગેની જાહેરાત કરવામાં નથી આવી. મહત્વનું છે કે વિસાવદરની બેઠક સૌથી પહેલા ખાલી થઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ પરથી સૌ પ્રથમ રાજીનામું આપ્યું હતું. આ મામલે અપડેટ સામે આવી છે કે કોર્ટ કેસ ચાલુ હોવાને કારણે આ બેઠક માટે તારીખ જાહેર નથી કરવામાં આવી.