લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની છે. લોકસભા ચૂંટણીને લઈ તારીખોનું એલાન થવાનું છે પરંતુ તે સિવાય ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા સીટો માટેની તારીખોનું એલાન પણ આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં 6 વિધાનસભા બેઠક ખાલી પડી છે, ત્યાંના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને અનેક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. જે 6 વિધાનસભા માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવશે તે છે ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર. આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને તે તારીખની જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી શકે છે.
6 ધારાસભ્યો હજી સુધી આપી ચૂક્યા છે પદ પરથી રાજીનામું
2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી..તે ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી. કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા પરંતુ આમાંથી 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જતા રહ્યા છે. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરના કોંગ્રેસના સી.જે.ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
આ બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી
તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અને પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું. પદ ઉપરથી રાજીનામું આપી પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. આ બેઠકો માટે પેટાચૂંટણી થશે. એવી માહિતી સામે આવી છે કે ધારાસભ્ય પદને છોડનાર પૂર્વ ધારાસભ્યોને ભાજપ ટિકીટ આપી શકે છે. ઉમેદવાર તરીકે તેમને ઘોષિત કરી શકે છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ ટિકીટ આપી શકે છે.
પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે થઈ શકે છે ગઠબંધન
તો બીજી તરફ એવી માહિતી સામે આવી છે કે પેટાચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. આજે ઈસુદાન ગઢવી તેમજ શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી છે. અને એવું લાગી રહ્યું છે કે બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવે કે પેટાચૂંટણી પણ આપ અને કોંગ્રેસ ભેગા મળીને લડશે. લોકસભા ચૂંટણી માટે તો કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે જોવું રહ્યું કે પેટાચૂંટણી માટે પણ આ બંને પાર્ટી ગઠબંધન કરશે કે નહીં?