થોડા મહિનાઓ બાદ લોકસભાની ચૂંટણી આવી છે, ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ચૂંટણી આવે તે પહેલા જોડ-તોડની, પક્ષપલ્ટાની રાજનીતિ પણ શરૂ થઇ છે. રાજ્યમાં એક પછી એક વિપક્ષમાં ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. વધુ બેથી ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. લોકસભાની સાથે સાથે ગુજરાતની જનતાને પેટા - ચૂંટણી માટે પણ તૈયાર રહેવું પડશે.
પાંચ બેઠકો માટે યોજાઈ શકે છે પેટા ચૂંટણી
ગુજરાતની કઈ સીટો પર પેટાચૂંટણી થઇ શકે છે તેની વાત કરીયે તો રાજ્યમાં જે પ્રકારે ધારાસભ્યો રાજીનામા આપ્યા છે, ધારાસભ્યોના રાજીનામાની વાતો થઈ રહી છે તે જોતા લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ઓછામાં ઓછી 5 સીટ પર પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. ખંભાત, વિસાવદર, વાઘોડિયા અને હવે બાયડ સીટ પર પેટા ચૂંટણી યોજાવાની શક્યતા છે. ખંભાત સીટ ચિરાગ પટેલ, વિસાવદરની બેઠક પરથી ભૂપત ભાયાણી રાજીનામું આપી ચુક્યા છે, જ્યારે હવે વાઘોડિયા સીટ પરથી ધર્મેન્દ્ર સિંહ તથા બાયડ વિધાનસભા સીટ પરથી ધવલ સિંહ ઝાલાના રાજીનામાની ચર્ચાના કારણે આ બંને સીટ પર પણ પેટા ચૂંટણીના એઁધાણ વર્તાઈ રહ્યા છે.
વાઘોડિયાના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
અપક્ષના ધારાસભ્યોમાંથી એક વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવા સમાચાર આવ્યા હતા. હવે અન્ય એક અપક્ષ ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતા છે. અરવલ્લી જિલ્લાની બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ધવલસિંહ ઝાલા રાજીનામું આપશે તો બાયડ સીટ પર પેટા ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે. ધવલસિંહ ઝાલા ભાજપમાં ઘરવાપસી કરશે અને ફરી ચૂંટણી લડશે.
બાયડના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
મળતી જાણકારી મુજબ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામાનું મન બનાવી લીધું છે. તેઓ બાયડના તેમના કાર્યકરો સાથે વિચાર-વિમર્સ બાદ આ મુદ્દે નિર્ણય કરશે. ધવલસિંહ ઝાલા ફરી એક વખત કેસરિયો ખેસ ધારણ કરી ભાજપની ટિકિટ પર ફરી બાયડની સીટ પરથી ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ ટિકિટ નહોંતી આપી તેથી તેઓ અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ બાયડ સીટ પર ચૂંટણી જીતીને વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં.
માવજી દેસાઈ આપી શકે છે પદ ઉપરથી રાજીનામું
તો બીજી તરફ બનાસકાંઠાની ધાનેરા સીટ પરથી અપક્ષમાંથી જીતેલા માવજી દેસાઈ પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જો માવજી દેસાઈ રાજીનામુ આપે તો ધાનેરામાં પેટ ચૂંટણી તેઓ ભાજપમાંથી લડશે તેવી વાતો પણ થઇ રહી છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં આવી રહ્યો છે ભૂકંપ
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે સમયે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી રહ્યો છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા હતા ત્યારે હવે અપક્ષ ઉભેલા ધારાસભ્યોની વારી છે. કોંગ્રેસના ચિરાગ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું ત્યારે વધુ ત્રણ જેટલા ધારાસભ્યો પણ જવું જવું કરી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં આ જોડ-તોડની રાજનીતિ ક્યાં જઈને અટકે છે. આ વાંચ્યા પછી તમારા મનમાં શું વિચાર આવ્યો તે અમને કમેન્ટમાં જણાવ્યો.