ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે ચૂંટણીનો જંગ જામવાનો છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે પ્રજા વિરોધી ભાજપ પાર્ટીને હરાવવા માગતા હોય તેમનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત છે. પ્રજાના રક્ષણ માટે ભાજપને હરાવવા માગતી આમ આદમી પાર્ટી પણ જો કોંગ્રેસમાં જોડાય તો તેનું સ્વાગત છે.
આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની કરી વાત
ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. 2 તબક્કામાં મતદાન થવાનું છે. દરેક પાર્ટી અલગ અલગ રીતથી પોતાનો પ્રચાર કરી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ગુજરાત ગૌરવ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે. પોતાના પ્રચાર દરમિયાન પોતાના સંબોધનમાં નેતાઓ એવી વાત કરી દેતા હોય છે જે ચર્ચાનો વિષય બની જાય છે. પરિવર્તન યાત્રા દરમિયાન તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવાની વાત કરી હતી જે બાદ રાજકારણ ગરમાયું છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે પ્રજાના રક્ષણ માટે ભાજપને હરાવવા માગતી આમ આદમી પાર્ટી પણ જો કોંગ્રેસમાં જોડાય તો તેનું સ્વાગત છે.
ગઠબંધન કરવાનો વિચાર ભરતસિંહનો વ્યક્તિગત - આલોક શર્મા
ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કહ્યું કે સરખી વિચારધારા ધરાવતો પક્ષ હોય તો વાંધો નહીં. પરંતુ કોંગ્રેસ આમ આદમી પાર્ટી પાસેથી સમર્થન નહીં લે અને આપશે પણ નહીં. કોંગ્રેસ ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલી છે. નીચલી વિચારધારાને સમર્થન નહીં કરે. આલોક શર્માએ કહ્યું કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો વિચાર ભરતસિંહનો વ્યક્તિગત વિચાર છે.