દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તાલુકામાં તાજેતરમાં ઝડપાયેલા સસ્તા ભાવના અનાજના કૌભાંડ બાદ અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ અંગે અંગત રીતે છાન-બિન કરી, રાજ્યમાં મોટા પાયે કોભાંડ હોવા અંગેના આક્ષેપો કર્યા છે. તેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો દ્વારા યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ફક્ત ભાણવડ તાલુકામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજના રેશનકાર્ડમાં વ્યાપક કૌભાંડો આચારવામાં આવ્યા છે. જેના અનુસંધાને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે.
આ અંગે અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ સ્ટાફ દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મુદ્દે તેમના દ્વારા સરકારી વેબસાઈટમાંથી લીધેલા આંકડાઓ મુજબ મે મહિનામાં 12,390 રેશનકાર્ડ સાથે 1.18 લાખ લોકોનો, જ્યારે જૂન મહિનામાં માત્ર 2505 રેશનકાર્ડના વધારા સાથે 43,100 લોકોનો ઉમેરો થયો હતો
ભાણવડ તાલુકામાં થયેલી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહીના પ્રત્યાઘાત રૂપે જુલાઈ મહિનામાં વધેલા 20,140 રેશનકાર્ડ સામે ઉલટી પરિસ્થિતિમાં 5,86,701 લોકોનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. અનઅધિકૃત રીતે દાખલ કરવામાં આવેલા નામો રદ કરાયા બાદ કડક કાર્યવાહી ન થતા અને પરિસ્થિતિ કાબુમાં જણાતા ગત ઓગસ્ટ તથા સપ્ટેમ્બર માસમાં અનુક્રમે 1.48 લાખ અને 1.05 લાખ નવા વ્યક્તિઓનો ઉમેરો કરવામાં આવ્યો હોવાની માહિતી જગદીશભાઈ ચેતરીયાએ આપી હતી.