1. અમેરિકામાં 'મેમોરિયલ ડે' પર ફાયરિંગ
અમેરિકાના ફ્લોરિડામાં આવેલા હોલીવુડ બીચ પર મેમોરિયલ ડે ની ઉજવણી દરમિયાન 2 જૂથો વચ્ચે બોલાચાલી થતા ફાયરિંગની ઘટના બની હતી.. આ ફાયરિંગમાં 3 સગીર સહિત 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે..
2. વેનિસમાં પાણીનો રંગ બદલાતા આશ્ચર્ય
ઇટાલીના વેનિસના મશહૂર તળાવ ગ્રેંડ કેનાલનું પાણી અચાનક લીલા રંગનું થઇ જતા પ્રવાસીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું.. ઓચિંતો પાણીનો રંગ બદલાઇ જતા સ્થાનિક અધિકારીઓએ તપાસ શરૂ કરી છે..સોશિયલ મીડિયામાં કેનાલના પાણીના વીડિયો વાઇરલ થઇ રહ્યા છે.. કેનાલના પાણીના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવમાં આવ્યા છે..
3.જેફ બેઝોસ અંતરિક્ષમાં પરણશે
દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસ સગાઇ બાદ ફરીએકવાર ચર્ચામાં છે.. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ તેમની મંગેતર સાથે અંતરિક્ષમાં લગ્ન કરવા જઇ રહ્યા છે.. 59 વર્ષના જેફ બેઝોસ આ પહેલા પણ વર્ષ 2021માં અંતરિક્ષની સફર કરી ચુક્યા છે.. તેમણે તેમની પોતાની કંપની બ્લુ ઓરિજીન દ્વારા નિર્મિત રોકેટમાં બેસીને અંતરિક્ષની યાત્રા કરી હતી..
4. કંગાળ પાકિસ્તાને સ્કૂલ બંધ કરી
દેવાળું કાઢવાના આરે આવીને ઉભેલી પાકિસ્તાનની સરકારને હવે દિલ્હીમાં આવેલી હાઇ કમિશનની સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લીધો છે.. આ સ્કૂલ હાઇકમિશનમાં કામ કરતા કર્મચારીઓના બાળકોને ભણાવવા શરૂ થઇ હતી.. પણ પાકિસ્તાનની સરકાર પાસે આ શાળાના સ્ટાફને પગાર આપવાના પૈસા નથી ઉપરાંત ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં આવતા ઉતારચડાવને કારણે પણ સ્ટાફ અને એડમિશન ઓછા થઇ રહ્યા છે.. પાકિસ્તાને અન્ય દેશોમાં ચાલતા હાઇકમિશનને પણ ખર્ચા ઓછા કરવાની સૂચના આપી છે..
5. દીકરાએ પાર્ટી કરી તો કાઢી મુક્યો
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ પોતાના પુત્રને જ નોકરીમાંથી કાઢી મુક્યો, ફુમિયો કિશિદાના પુત્ર શોટારો સરકારમાં કાર્યકારી નીતિઓના સચિવના પદે કાર્યરત હતા..તેમણે તેમના પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં મિત્રો સાથે પાર્ટી યોજી હતી અને તે તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઇ હતી.. જેને કારણે જાપાનમાં તેમની ભારે આલોચના થઇ હતી આથી પ્રધાનમંત્રી કિશિદાએ તેમને પદ પરતી બર્ખાસ્ત કરી દીધા હતા.
6. પિઝા અત્યારે ખરીદો, પૈસા મૃત્યુ પછી આપજો
ન્યુઝીલેન્ડની એક જાણીતી પિઝા બ્રાન્ડે ગ્રાહકોને આકર્ષવા એક વિચિત્ર સ્કીમ બહાર પાડી છે પિઝા આ જીવનમાં ખરીદો અને પૈસા મૃત્યુ બાદના જીવનમાં એટલે કે આફટરલાઇફમાં આપજો. એટલે કે ગ્રાહકોએ પિઝા ખરીદ્યા બાદ તેની ચૂકવણી તરત નહી કરવાની પરંતુ તેઓ મૃત્યુ પછી જે રૂપિયા મૂકીને જાય તેમાંથી પિઝા કંપની વસૂલાત કરશે..આ માટે કંપની કુલ 666 ગ્રાહકોને પસંદ કરશે જેમણે સિલેક્શન પછી પિઝા કંપની સાથે લીગલ ડીલ સાઇન કરવી પડશે તેમજ તેમના વીલમાં પણ પિઝા ચૂકવણીની રકમનો ઉલ્લેખ કરવો પડશે.. જો કે ન્યુઝીલેન્ડની ગ્રાહક સુરક્ષા નીતિઓના અધિકારીઓએ લોકોને ચેતવ્યા છે કે આ એક માર્કેટિંગ સ્ટંટ છે જેના કારણે લોકો દેવાના ચક્કરમાં ફસાઇ શકે છે..
7. ફિલીપાઇન્સમાં 'માવર'નો ડર
ગત અઠવાડિયે અમેરિકાના ટાપુ ગુઆમમાં તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડું માવર ફિલીપાઇન્સ તરફ આગળ વધી રહ્યું છે.. ફિલીપાઇન્સના અધિકારીઓએ અત્યાર સુધીમાં 5000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડ્યા છે.. દરિયાકાંઠે રહેતા લોકોને કિનારે ન જવા માટે સૂચના અપાઇ છે..ત્યાના સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડા માવરને કારણે આશરે 150થી 190 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.. ફિલિપાઇન્સમાં જમીન ધસી પડવાની ઘટનાઓ પણ બની રહી છે.. જો કે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી
8. યુગાન્ડામાં વિશ્વનો સૌથી કડક કાયદો
યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ સમલૈંગિકો વિરુદ્ધ વિશ્વનો સૌથી કડક કાયદો પસાર કર્યો છે. યુગાન્ડામાં સમલૈંગિક સંબંધ રાખવા પર આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજા ફટકારવામાં આવશે.. કાયદો પસાર કરતી વખતે સાંસદોએ સમલૈંગિક સંબંધોને સમાજના મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યા હતા.. કાયદો પસાર થતાની સાથે જ સમગ્ર વિશ્વમાં તેની ટીકાઓ શરૂ થઈ ગઈ છે. યુએસ પ્રમુખ જો બાઇડને તો યુગાન્ડાના કેટલાંક અધિકારીઓ પર પ્રતિબંધો લાદવાની અને ત્યાં યુએસ તરફનું રોકાણ ઘટાડવાની ધમકી આપી છે. જો કે ગે, લેસ્બિયન અથવા હોમોસેક્સ્યુઅલ હોવા પર સજા નથી પરંતુ જો સંબંધો બંધાય તો તે સજાને પાત્ર ગણાશે..
9. ચીને 3 સામાન્ય નાગરિકોને અવકાશમાં મોકલ્યા
ચીને ગોબીના રણમાં સ્થાપેલા તેના જિયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી આજે શેનઝો-16 સ્પેસક્રાફટ લોન્ચ કર્યું હતું.. આ સ્પેસક્રાફ્ટ દ્વારા ચીને 3 નાગરિકોને અવકાશમાં મોકલ્યા છે.. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આદેશો પર સ્પેસ ડ્રીમ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.. જે અંતર્ગત અબજો રૂપિયાના રોકાણ સાથે વર્ષ 2029 સુધીમાં ચંદ્ર પર માણસોને મોકલી અમેરિકા અને રશિયા સાથે સ્પર્ધા કરવાનું ચીનનું મિશન છે..
10. અમેરિકામાં વધુ એક ભારતીય પર ગોળીબાર
અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે.. ફિલાડેલ્ફિયામાં એક 21 વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા થઇ છે. આ વિદ્યાર્થી મૂળ કેરાલાનો છે. તેના માતા પિતા 30 વર્ષ પહેલા કેરાલા છોડીને અમેરિકામાં સ્થાયી થયા હતા. આ પહેલા પણ એપ્રિલ મહિનામાં આંધ્રપ્રદેશના રહેવાસી એક વિદ્યાર્થીની પેટ્રોલપંપ પર હુમલાખોરોએ હત્યા કરી નાખી હતી