22 જાન્યુઆરીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશભરની સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સવારથી બપોર 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે. ગુજરાતમાં પણ અનેક ધારાસભ્યો દ્વારા આ પ્રકારની માગ કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના તમામ લોક આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર 22-01-2024ના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો પરિપત્ર
રામ ભક્તો 22 જાન્યુઆરીની પ્રતિક્ષા કરી રહ્યા છે જ્યારે ભગવાન રામની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે, મંદિરમાં મૂર્તિને રાખવામાં આવી છે. આ બધા વચ્ચે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે પણ અડધા દિવસની રજા કરી જાહેર
દેશભરની સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સવારથી બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે. કેન્દ્ર સરકારે આ હેતુ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે, જેથી લોકો રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી કે અયોધ્યામાં 'રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા'ને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ સરકાર હસ્તક બોર્ડ અને નિગમોની કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં બપોરે 2.30 વાગ્યા સુધી રજા રહેશે.