ઘાટલોડિયા વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન, જાણો શું છે આ બેઠકની વિશેષતા
ભાજપ-કોંગ્રેસ અને આપની નજર આ વખતે એક બેઠક પર ખાસ રહેશે એ બેઠક છે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક..અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક એ સામાન્ય બેઠકો કરતા અલગ છે. કારણકે, આ બેઠક એ સત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. ભાજપના ગઢ સમાન આ બેઠક પર જીત મેળવવી ભાજપ માટે જાણે રમતની વાત છે જ્યારે કોંગ્રેસ માટે કપરા ચઢાણ બીજી એક ખાસ બાબત એ છે કે આ બેઠકને સરકાર સાથે ખાસ સંબંધ છે. આ બેઠકથી જાણે ગુજરાતના નવા મુખ્યમંત્રી પદનો રસ્તો સીધો ખુલી જાય છે. આ બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે.
ઘાટલોડિયા બેઠક અમદાવાદના શહેરી વિસ્તારની બેઠકમાં આવે છે. આ બેઠક ભાજપની બેઠક તરીકે ઓળખાય છે. આ બેઠકનું સીમાંકન એવી રીતે કરવામાં આવ્યું છે કે અહીં એક પણ મુસ્લિમ મતદાર નથી. આ બેઠકમાં પણ એવું માનવામાં આવે છે કે અહીં વ્યક્તિગત નહીં પણ પક્ષ મહત્ત્વનો છે. જો ભાજપ અહીંથી કોઈને પણ ટિકિટ આપે તો તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
જ્ઞાતિનું ગણિતઃ
અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પાટીદાર અને રબારીનો પ્રભુત્વ ધરાવતા વિસ્તાર તરીકે ઓળખાય છે. ઘાટલોડિયા બેઠકમાં 3.74 લાખ મતદારો છે. અહીં પાટીદાર મતદારોની સંખ્યા 70થી 78 હજાર માનવામાં આવે છે તો રબારી-માલધારી સમાજના 40 હજારથી વધુ મતદારો છે. આ સિવાય ઠાકોર, દલિત અને અન્ય સમાજની વસ્તી પણ નિર્ણાયક છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે.
ઘાટલોડિયા
વિધાનસભાનો ચૂંટણીનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ જીતનાર ઉમેદવાર પક્ષ
2012 આનંદીબેન પટેલ ભાજપ
2017 ભૂપેન્દ્ર પટેલ ભાજપ
2012ની ચૂંટણીમાં આનંદીબેન પટેલની સામે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા રમેશભાઈ પટેલને માત્ર 44 હજાર મત મળ્યા હતા. જ્યારે આનંદીબેન પટેલને 1 લાખ 54 હજાર મત મળ્યા હતા. તે જ સમયે, 2017 ઘાટલોડિયા બેઠક પર, પાટીદાર આંદોલન છતાં, કોંગ્રેસના શશિકાંત પટેલને અહીં 57902 મત મળ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલને 1 લાખ 75 હજાર મત મળ્યા હતા.