સ્ટોરી ઓફ અલિયાબેટ, એક એવા ટાપુની કહાની જ્યાં પહોંચ્યા પછી મોંઢામાંથી પહેલો અવાજ નીકળ્યો - શું આ ગુજરાતમાં જ આવ્યુ છે?


  • Published By :
  • Published Date : 2023-05-16 22:01:46

અમે જ્યારે ગુગલ પર અલિયાબેટ સર્ચ કર્યુ તો ખબર પડી કે અહીં તો કોઈ રસ્તો છેક ત્યાં સુધીનો બતાવતા જ નથી, સ્થાનીક મદદ લઈને અમે ત્યાં જવા નીકળ્યા તો મનમાં એવી કલ્પના હતી કે બોટમાં બેસીને ત્યાં જવું પડતું હશે પણ એ વાત ખોટી નીકળી, પહોંચવા આવ્યા તો ખબર પડી કે ચોમાસામાં જ એ સ્થિતિ હોય છે બાકી અમે પહોંચ્યા ત્યારે તો અંડર કંસ્ટ્રક્શન રસ્તા પર મોટા-મોટા ટ્રક પસાર થતા હતા, જેવા અલિયાબેટ પહોંચ્યા તો ખબર પડી કે એક્ઝેટ એ જ જગ્યા પર આ સ્થળ આવેલું છે જ્યાં સરકારનો ખુબ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ આકાર પામી રહ્યો છે.


આ કહાની માત્ર સંઘર્ષની નથી, અમારી આંખોએ એ બાળકની આંખોમાં જોયેલા પ્રશ્નની પણ છે!


અલિયાબેટ વિશે સાંભળ્યું હતુ પણ ત્યાં ખરેખર આજે પણ એકદમ ટ્રેડીશનલ કપડામાં બાળકો શાળા વગર આવી રીતે ભણતા હશે એવું માન્યામાં નહોતુ આવતું, ત્યાં પહોંચ્યા પછી પહેલો પ્રશ્ન એ થાય, થાય અને થાય જ કે આ ગુજરાતમાં જ આવેલુ છે? એવી પૂર્વધારણા સાથે જ હું ત્યાં પહોંચી કે આટલી બધી વાર સ્ટોરી આવી છે, કવરેજ થયું છે તો વિજળી તો ત્યાં પહોંચી જ ગઈ હશે એટલે શરૂઆતની ચર્ચામાં આવો કોઈ પ્રશ્ન જ ના કર્યો, પણ જ્યારે ગામના સરપંચે આ વાત કહી તો બે ઘડી માટે આંચકો લાગ્યો કે ભાડભૂત બેરેજ કે જે અહીંથી 100મીટર આગળ છે ત્યાં આટલું બધુ પહોંચ્યું છે તો તમારે ત્યાં કેવી રીતે નથી પહોંચ્યું, સોલાર માટે પણ કેમ કોઈ વ્યવસ્થા ના થઈ. પ્રશ્નોના કોઈ જવાબ ના મળ્યા. પણ એક શિક્ષકના રૂપમાં વિનોદભાઈમાં અમને ભગવાન દેખાયા, જ્યાં એક દિવસ પણ કોઈ રોકાવવાનું પસંદ ના કરે ત્યાં વિનોદભાઈએ ઘર જ વસાવી લીધું, આમ તો એને ઘર પણ ના કહી શકાય, કેમ કે ત્યાં પણ બાકીના ઘરની જેમ જ સુવિધાના નામે મીંડુ અને ઉડતી ધૂળ સિવાય કશું જ નથી. એ ત્યાં જ રહીને બાળકોને ભણાવતા હતા તો સ્વાભાવિક છે કે ચોમાસામાં ચાર મહિના બંધ જ થઈ જવું પડે એ બેટની સરહદોમાં તો એમના પત્ની સાથે ના રહી શક્યા, છુટાછેડા થઈ ગયા પણ એ બાળકોને છોડીને ના ગયા. સવાલ નોકરી કે પગારનો નહોતો, બાળકોનો હતો, કેમ કે પગારના નામે તો એમને 10હજાર રૂપિયા મહિનાની હાથખર્ચી જ મળે છે, પણ એ માત્ર રૂપિયા માટે તો આ કામ કરતા નથી. અલિયાબેટના ચિતારનો આખો વિડીયો જોયા પછી તમને ખબર પડી જશે કે આ વાત માત્ર સુવિધાના અભાવની નથી, વાત ઈશ્વર જ જાણે પહોંચ્યા હોય એવા કર્તવ્યનિષ્ઠ શિક્ષકની પણ છે.


અલિયાબેટમાં છે સાચુકલું મેક ઈન ઈન્ડીયા!


અલિયાબેટમાં દરેક ઘરે એક નાનકડી સોલાર પ્લેટ લગાવેલી છે જે ગામના લોકોએ જાતે ઉભી કરી છે, બેટરી સાથે કનેક્ટ કરીને અમુક કલાકો માટે પંખો ચલાવતા એ શીખી ગયા છે. ત્યાં આજ સુધી વિજળી નથી પહોંચી કેમ કે એ પહોંચવી શક્ય નથી, નર્મદા અને આમ જુઓ તો દરિયાના પાણીથી ઘેરાઈ જતો આ બેટ ગુજરાતના બાકીના આઈલેન્ડ કરતા વધારે સંઘર્ષ અને અસાધારણ સ્થિતિ સાથે જીવે છે. દરેક ઉંમરના બાળકો વચ્ચે એક જ શિક્ષક છે જે બાળકોને માત્ર પાયાનું જ જ્ઞાન આપી શકે એમ છે, ત્યાં બાળકોને  વાંચતા કરવા એ જ મોટો પડકાર છે.


કલેક્ટરની વાતથી એ વાતનો સંતોષ છે કે ચાલો પાણી તો પહોંચશે!


સંસ્થા, શિક્ષક, સર્વ શિક્ષા અભિયાન જેવી યોજના અને સ્થાનીકોની જાગૃતિના પ્રભાવે આ વિસ્તાર મુખ્યધારામાં સામેલ થવા પ્રયત્નો કરી રહ્યો છે. આ વિષયે અમે ભરૂચ કલેક્ટર સાથે વાત કરી તો એમણે કહ્યું કે ત્યાં મદદ કરવા માટે પ્રશ્ન ફંડનો નથી પણ ત્યાંની ભૌગોલીક સ્થિતિ એમ થવા નથી દેતી, અમે જ્યારે ગયા ત્યારે ઉનાળાનો સમય હતો, પણ ચોમાસામાં પ્રદેશ ચારેય બાજુ પાણીથી ઘેરાઈ જાય તો ઈમારતોના નિર્માણ ત્યાં શક્ય નથી, પણ ભાડભૂત બેરેજના નિર્માણ માટે પહોંચેલી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો તો એમણે કહ્યું છે કે પાણી જેવી પાયાની સુવિધા કોઈ રીતે ત્યાં પહોંચે એ સૌથી પહેલા જોવામાં આવશે.


બીજ રોપાઈ ગયું છે, અંકુર પણ ફુટશે, ક્રાંતિ પણ થશે!


આટલી જગ્યાઓ પર ગયા પછી એક વાત સમજાઈ છે કે કુદરત કોઈને કોઈ રીતે બેલેન્સ સાધી લે છે, અલિયાબેટમાં ભૌગોલીક સ્થિતિ ભયાનક છે, સરકાર ત્યાં નથી પહોંચી શકી તો વિનોદભાઈ નામે શિક્ષક ત્યાં પહોંચી ગયા અને કચ્છી બોલતા એ જત સમુદાયના આકર્ષક આંખો વાળા બાળકોમાં ગુજરાતી ભાષા અને સપના રોપી દીધા, બીજ રોપાઈ ગયું છે, અંકુર ફુટવાની શરૂઆત થઈ ગઈ છે, ક્રાંતિ પણ એક દિવસ ચોક્કસ થશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?