આજે અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજના પવિત્ર દિવસ છે. આજના દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આજે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક અને સામાજીક શુભ પ્રસંગો યોજાયા હતા. જો કે હિન્દુ પરંપરા મુજબ આજના દિવસે સોનું ખરીદવું તે શુભ ગણાય છે. આજે અખાત્રીજના દિવસે રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકો સોનું ખરીદવા માટે ઉમટ્યા હતા. મોંઘવારી અને મંદીની બુમો પાડતા લોકોએ મનમુકીને સોનાના આભુષણોની ખરીદી કરી હતી. આજે 24 કેરેટ એક તોલા સોનાનો આજનો ભાવ 62,065 રૂપિયા રહ્યો છે.
અમદાવાદમાં 250 કિલો સોનુ વેચાયાનો અંદાજ
રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે સોનાની ધુમ ખરીદી કરી છે. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 62,200 હોવા છતાં લોકો સોનું ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. એકલા અમદાવાદમાં જ આખા દિવસ દરમિયાન 250 કિલો સોનુ વેચાયું હોવાનું અનુમાન છે. અખાત્રીજના પાવન દિવસે શુકનનું સોનું ખરીદવા માટે રાજ્યના અન્ય નાના શહેરોમાં પણ જ્વેલર્સના શો રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સે પણ ઘડામણમાં રાહત સહિતની વિવિધ સ્કીમોની જાહેરાત કરી હતી.