ધ કેરાલા સ્ટોરી બાદ વધુ એક ફિલ્મ 'અજમેર-92' રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લઘુમતીઓને ટારગેટ કરે છે, અને 30 વર્ષ અગાઉ અજમેરમાં તરૂણીઓ પર થયેલા ગુનાહિત હુમલા પર આધારીત છે. જ્યારે કન્ટેન્ટને લઈ જમીયત ઉલેમા એ હિંદે ફિલ્મ 'અજમેર-92' સામે મોરચો ખોલી દીધો છે. આ મુસ્લીમ સંગઠને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.
જમીયત ઉલેમા એ હિંદે કર્યો વિરોધ
જમીયતના પ્રમુખ મૌલાના મદનીએ કહ્યું કે અજમેર શરીફની દરગાહને બદનામ કરવા માટે બનેલી ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવે. ગુનાઈત ઘટનાઓને ધર્મ સાથે જોડવાના બદલે ગુનાઓની સામે એકજુથ થઈને કાર્યવાહી કરવાની જરૂર છે. આ ફિલ્મ સમાજમાં દરાર પેદા કરશે.
અભિવ્યક્તિની આઝાદી સામે વાંધો
મૌલાના મદની વધુમાં કહ્યું કે અજમેર શહેરમાં જે પ્રકારે ગુનાહિત ઘટનો સામે આવી રહી છે તે સમગ્ર સમાજ માટે શરમજનક બાબત છે. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એક વરદાનની સાથે-સાથે કોઈ પણ લોકતંત્રની તાકાત પણ છે. પરંતું તેની આડમાં દેશને તોડનારા વિચારો અને ધારણાને પ્રોત્સાહન ન આપી શકાય. અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ હિંદુ-મુસ્લીમ એકતાનું જીવંત ઉદાહરણ છે અને લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે.
ફિલ્મની કથાવસ્તુ શું છે?
અજમેર 92 ફિલ્મનું ડાયરેક્શન પુષ્પેન્દ્ર સિંહે કર્યું છે, આ ફિલ્મમાં ઝરીના વહાબ, સયાજી શિંદે, મનોજ જોશી અને રાજેશ શર્માએ મુખ્ય કિરદાર નિભાવ્યો છે. આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારીત છે, વર્ષો પહેલા અજમેરમાં 100થી વધુ યુવતીઓને બ્લેકમેઈલ કરવા અને ત્યાર બાદ તેમનું શારિરીક શોષણ કરવાની ઘટનાને ફિલ્મમાં નિરૂપવામાં આવી છે. ફિલ્મના કન્ટેન્ટને લઈને વિવાદ વધી રહ્યો છે.