મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત મોટો રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે, NCP નેતા અજિત પવારે શિંદે-ભાજપ સરકારમાં જોડાયા બાદ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ બધું એટલું ઝડપથી થયું કે એવું માનવામાં આવે છે કે તે અજિત પવારના મોટા આયોજનનો એક ભાગ હતો. છેલ્લા ઘણા દિવસોથી અજિત પવાર સહિત NCP ધારાસભ્યોનો મોટો વર્ગ શરદ પવારથી નારાજ હતો.
શરદ પવારના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ
મહારાષ્ટ્રના રાજકારણમાં સુપર સન્ડેના દિવસે અજિતે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પછી 53માંથી 40 ધારાસભ્યોનું ભારે સમર્થન ધરાવતા અજીત રાજભવન પહોંચ્યા હતા. રાજ્યના સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા અને ત્યારબાદ અજિત પવાર સહિત 9 મંત્રીઓએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આશ્ચર્યજનક બાબત તો એ છે કે શરદ પવારના ખૂબ જ નજીકના કહેવાતા પ્રફુલ પટેલ, દિલીપ વાલસે પાટીલ, છગન ભુજબળ પણ અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતા. શરદ પવારના વફાદારો પણ તેમનો સાથે છોડીને જતા રહેતા તેમના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ છે.
અજિત પવાર કેમ નારાજ છે?
NCPના રાજ્ય એકમના વડા તરીકે તક ન મળવાથી અજિત પવાર નારાજ છે. આ બેઠકમાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલે હાજરી આપી હતી. પરંતુ સુલે મીટીંગ છોડીને જતી રહી હતી. NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પુણેમાં હાજર શરદ પવાર સાથે ફોન પર વાતચીત કરી હતી. રાજકીય ઉથલપાથલને જોતા શરદ પવારે પુણેમાં જ રહેવાનો નિર્ણય લીધો છે અને તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.