રાજ્ય સરકારની શિક્ષણમાં ખાનગીકરણની નીતિને કારણે પ્રાઈવેટ શિક્ષણ સંસ્થાઓને વિદ્યાર્થીઓને લુંટવાનો પરવાનો મળી ગયો છે. રાજ્યની લગભગ તમામ ખાનગી યુનિવર્સિટીઓ ફિના નામે રીતસર ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ (બેચલર ઓફ કોમર્સ)ના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટીની આ મોંઘીદાટ ફીનો NSUIના કાર્યકરોએ જોરદાર વિરોધ કર્યો હતો.
NSUIના કાર્યકરોનો જોરદાર વિરોધ
અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ(બેચલર ઓફ કોમર્સ)ના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી રહી છે, ત્યારે NSUI દ્વારા આજે અમદાવાદ યુનિવર્સિટી પર જઈને વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીનો ગેટ બંધ હોવાથી NSUIના કાર્યકરો ગેટ કૂદીને અમદાવાદ યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા. અમદાવાદ યુનિવર્સિટીમાં રામધૂન બોલાવી હતી અને નારા લગાવ્યા હતા. અમદાવાદ યુનિવર્સિટી વિવિધ કોર્સ દ્વારા લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે એ બદલ NSUI દ્વારા રેલી કાઢી હતી. સેપ્ટ યુનિવર્સિટીના ગેટથી અમદાવાદ યુનિવર્સિટીની એડમિન ઓફિસ સુધી ચાલતાં ચાલતાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. ખાનગીકરણના વિરોધી અને અમદાવાદ યુનિવર્સિટી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હાથમાં બેનર સાથે રેલી અમદાવાદ યુનિવર્સિટીના ગેટ સુધી પહોંચી હતી.
યુનિની ફી નિયંત્રણ કરવા FRCની માગ
NSUIએ ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો કે ભાજપના રાજમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. જે લાખો રૂપિયા ફી વસૂલી રહી છે. એ પ્રમાણે સ્કૂલોમાં ફી નિયમન માટે FRC છે, એ પ્રમાણે યુનિવર્સિટીની ફી નિયંત્રણ કરવા FRC હોવી જરૂરી છે. સામાન્ય કોર્સની પણ અમદાવાદ યુનિવર્સિટી લાખો રૂપિયા ફી વસૂલે છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને ફી ઘટાડો કરવા અમદાવાદ યુનિવર્સિટીનો ઘેરાવો કર્યો છે. NSUIના કાર્યકરો અમદાવાદ યુનિવર્સિટીને 16 લાખની ફી માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ફી ઘટાડવા જણાવ્યું હતું.