દબાણ હટાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે અધિકારીઓ દબાણ હટાવવા જાય છે ત્યારે ત્યારે તેમની ઉપર હુમલો થવાની ઘટનાઓ બનતી હોય છે. અધિકારીઓ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. તેવા સમચારો અનેક વખત જોયા અને વાંચ્યા હશે, ત્યારે આ સમાચાર પણ તેના જ છે. અમદાવાદ શહેરના મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી પર હુમલો કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનર રમ્ય ભટ્ટને એવી રીતે ઘાયલ કરાયા કે તે લોહીલુહાણ થઈ ગયા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર ટોળાએ કર્યો હુમલો
લોકોની સુરક્ષા માટે પોલીસ તૈનાત હોય છે. પરંતુ જો કોઈ અધિકારી પર પોલીસની હાજરીમાં માર મારવામાં આવે તો? પોલીસના નજરોની સામે અધિકારીને લોહીલુહાણ કરવામાં આવે તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મોડી રાત્રે અમદાવાદના ડેપ્યુટી કમિશનર પર ટોળાએ ઘાતકી હુમલો કર્યો છે. ટીમ સિવિલ વિસ્તારની આસપાસ દબાણ દૂર કરવા ગયા અને તેમના પર જીવલેણ હુમલો થયો એ પણ પોલીસની હાજરીમાં.
દબાણ હટાવતી વખતે બની દુર્ઘટના
સિવિલ નજીક દબાણ હટાવવાની કામગીરી કરવા માટે કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો. તે કાફલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ હતા. જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી હતી તે સમયે ટોળું ત્યાં આવ્યું અને ડે. કમિશનર પર હુમલો કર્યો. ટોળાએ ડે. કમિશનરને ઘેરી લીધા અને એટલા માર્યા કે તેઓ લોહીલુહાણ થઈ ગયા.
સારવાર અર્થે ડે.કમિશનરને હોસ્પિટલ ખસેડાયા
ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર તેમની સારવાર શહેરની એસ.વી.પી હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે નોનવેજની લારીના દબાણને હટાવવાની કામગીરી ચાલી રહી હતી. પહેલા આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ અને તે બાદ આ ઘટના બની છે. ડે.કમિશનર પર એ ટોળાએ એવો ઘાતકી હુમલો કર્યો કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. પોલીસની હાજરીમાં જો અધિકારીની આવી હાલત થતી હોય તો પછી લુખ્ખા તત્વો સામાન્ય માણસ સાથે કેવો વ્યવહાર કરી શકે છે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ.
ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી
સરકારી અધિકારી સાથે જયારે આવી ઘટનાઓ બને છે, પોલીસની હાજરીમાં જો ડે. કમિશનર પર આ પ્રકારનો હુમલો થઈ શકે છે, તો બીજા માણસોની સ્થિતિ વિશે તો વાત જ ન થાય. આ ઘટનાએ લઈ ઘણા સવાલ ઉભા થાય છે કારણ કે આવા લોકોને સિસ્ટમનો કોઇ ડર જ નથી? જો લુખ્ખા તત્વો કમિશનર પર આવો ઘાતકી હુમલો કરી શકે તે કોઈ પર પણ હુમલો કરી શકે છે... હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે બે હુમલાખોરોને બાતમીના આધારે ઘરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ઘરમાં નશાની હાલતમાં પકડાયા હતા. જેમની વિરુદ્ધ હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.