ઓવર-સ્પીડિંગને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે તેવા સમાચારો અનેક વખત કહેવામાં આવે છે. થોડા સમય પહેલા નબીરા તથ્ય પટેલે સિંધુભવન પર એક અકસ્માત સર્જ્યો હતો જેમાં 9થી 10 લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અમદાવાદના સિંધુભવનમાં ફરી અકસ્માત સર્જાયો છે. સિંધુભવનમાં મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસ કરી હતી અને આ દરમિયાન મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા છે તેવી માહિતી સામે આવી છે.
સિંધુભવન રોડ પર ફરી સર્જાયો અકસ્માત
ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ એવી આશા હતી કે કદાચ નબીરાઓ સુધરી જશે. તેમને ભલે પોતાના જીવની કદર નહીં હોય પરંતુ તેમને બીજાના જીવનની કદર હશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં રહી. નબીરાઓ બેફામ રીતે ગાડી ચલાવે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. તથ્ય પટેલની દિવાળી જેલમાં થશે. તથ્ય પટેલ કેસમાંથી પણ નબીરાઓ સુધરતા નથી તેવું લાગી રહ્યું છે કારણ કે સિંધુભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. દિવાળીના દિવસો દરમિયાન નબીરાઓ બેફામ બન્યા છે. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો.
અનેક ગાડીઓ આવી અડફેટે
દિવાળીના સમય દરમિાયન અનેક રોડ ખાલી હોય છે. જેને કારણે અનેક વાહનચાલકો બેફામ બની વાહન ચલાવતા હોય છે. રોડ તેમના બાપનો હોય તેવી રીતે નબીરાઓ ગાડી ચલાવતા હોય છે. ત્યારે અમદાવાદના સિંધુ ભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા. મળતી માહિતી અનુસાર મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ ગાડીની સ્પીડ એટલી હતી કે ટક્કર થયા બાદ પણ 500 મીટર જેટલી ગાડી ઢસડાઈ હતી.
પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી
આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. પરંતુ તહેવારના દિવસે મોટી દુર્ઘટના ટળી છે. જો કોઈ વ્યક્તિ આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતો હોત તો તે આ અકસ્માતમાં ભોગ બન્યો હોત! સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ક્યાં સુધી નબીરાઓના કારણે નિર્દોષ લોકોના જીવન સંકટમાં મૂકાતા રહેશે?