રાજ્યના કુખ્યાત મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. અમદાવાદ સેશન્સ કોર્ટે માલિની પટેલનાં જામીન મંજૂર કર્યા છે. જો કે કોર્ટે માલિની પટેલને પોલીસ તપાસમાં સાથ સહકાર આપવાની પણ ટકોર કરી છે. માલિની પટેલની જામીન અરજીનો સરકારે વિરોધ કર્યો હતો. માલિની પટેલ સામે મોરબી GPCBમાં છેતરપિંડી મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. મોરબીની એક વ્યક્તિને GPCBનું લાયસન્સ અપાવવાના બહાને માલિની પટેલે છેતરપિંડી આચરી હતી.
સોલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી
મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બંનેએ મોરબીના એક વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલ અને માલિની પટેલે વેપારીને GPCBનું લાયસન્સ અપાવવા નામે 42.86 લાખ પડાવ્યા હતા. જોકે, તેમાંથી તેઓએ વેપારીને 11.75 લાખ પરત આપ્યા હતા. જો કે બાકીના 31.11 લાખ પરત આપ્યા નહોતા.
સમગ્ર મામલો શું હતો?
મોરબીના જોધપુર ગામે રહેતા અને બી.એન બ્રધર્સ નામની સિરામિક મશીનરીની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ પટેલને વર્ષ 2017માં કિરણ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. એ સમયે કિરણે ભરતભાઈને PMO ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. તેણે ભરતભાઈને ઘણી મોટી મોટી વાતો કરી હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ સુધીની ઓળખાણ હોવાનું પણ જણાવ્યું હતું. ભરત ભાઈ પટેલ મહાઠગ કિરણ પટેલની મોટી-મોટી વાતોથી પ્રભાવિત થઈ ગયા હતા. ભરતભાઈ મોરબીની કેમિકલ ફેક્ટરીમાં પણ ભાગીદારી ધરાવતા હોવાથી તેમણે પોતાની કેમિકલ કંપની માટે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)માંથી લાયસન્સ કઢાવી આપવાની વાત કિરણ પટેલને કરી હતી. જે બાદ કિરણ પટેલે તેમને થોડા જ દિવસોમાં લાયસન્સ કઢાવી આપવાનો વાયદો આપ્યો હતો. થોડા દિવસ બાદ કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ ભરતભાઈ પટેલને સોલા એચસીજી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન તેઓએ ભરતભાઈને પ્રોસિજર ફી તરીકે રૂ.40થી 45 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેથી ભરતભાઈએ બંનેને 42.86 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે ભરત ભાઈ પટેલનું કામ ન થતાં તેમણે પૈસા પાછા માંગ્યા હતા. વારંવારના પ્રયાસો બાદ કિરણ અને માલિનીએ 11.75 લાખ પાછા આપ્યા હતા. જો કે બાકીના 31.11 લાખ પરત આપ્યા નહોતા. જેથી ભરતભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને મહાઠગ અને માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.